વિશાલ ભારદ્વાજ અને એકા લાખાણીને ઓસ્કાર એકેડેમીનું આમંત્રણ

Sunday 05th July 2026 08:41 EDT
 
 

ભારતીય સિનેમાની વિશ્વસ્તરે વધુ એક મહત્વની નોંધ લેવાઈ છે. ફિલ્મમેકર, લેખક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ તેમજ જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર એકા લાખાણીને વર્ષ 2026 માટે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS) દ્વારા સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એકેડેમી વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન કરે છે.
આ વર્ષે વિશ્વભરમાંથી કુલ 529 ફિલ્મ પ્રોફેશનલ્સને સભ્યપદ માટે આમંત્રણ અપાયું છે. એકેડેમીના સભ્ય બન્યા બાદ તેમને ઓસ્કાર એવોર્ડ્સની મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર મળશે. વિશાલ ભારદ્વાજ અને એકા લાખાણી ઉપરાંત ફિલ્મઉદ્યોગના અનેક પ્રતિષ્ઠિત નામોને પણ આમંત્રણ મળ્યું છે. તેમાં કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર, એડિટર દીપા ભાટિયા, એકથી વધુ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એડિટર એ. શ્રીકર પ્રસાદ, એનિમેશન કલાકાર અવનીત કૌર, તેમજ પ્રોડક્શન અને ટેક્નોલોજી ક્ષેત્રના ફરાહ ખાન અને રાજેશ રામચંદ્રનનો સમાવેશ થાય છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ક્ષેત્રે કાર્યરત બેકી ગ્રેહામ અને જય મહેતાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

એકેડેમીના સીઈઓ બિલ ક્રેમર અને પ્રમુખ લિનેટ હોવેલ ટેલરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વિશ્વભરના આ અસાધારણ ફિલ્મકારો અને સર્જકોને એકેડેમીમાં આવકારતા અમને આનંદ થાય છે. ફિલ્મનિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને યોગદાન વૈશ્વિક ફિલ્મઉદ્યોગને વધુ સમૃદ્ધ બનાવે છે.” ભારતીય ફિલ્મકારોને મળેલા આ આમંત્રણો માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ વૈશ્વિક ફિલ્મ જગતમાં ભારતીય પ્રતિભાની વધતી સ્વીકૃતિ અને પ્રભાવ પણ દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter