બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. યાદીમાં શાહરુખ ખાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી હસ્તીઓ જેવી કે સબરીના કાર્પેન્ટર, ડોએચી, વિવિયન વિલ્સન, નિકોલ શેઝિંગર, વોલ્ટન ગોગિન્સ, જેનિફર લોરેન્સ અને કોલ એસ્કોલાનો સમાવેશ થાય છે. શાહરુખને આ વિશિષ્ટ ઓળખ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા ‘મેટ ગાલા’માં તેની આકર્ષક હાજરી અને સ્ટાઇલ માટે મળી છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ની યાદીમાં તેમને સામેલ કરવાનું મુખ્ય કારણ તેમનો મેટ ગાલાનો લૂક જ રહ્યો છે. મેટ ગાલા ઈવેન્ટમાં શાહરુખ ખાન બ્લેક રંગના આઉટફિટમાં નજર આવ્યા હતા. તેમનો આ લૂક અત્યંત ચર્ચામાં રહ્યો હતો. તેમના ગળામાં પહેરેલું ક્રિસ્ટલનું ‘કે’ અક્ષરવાળું લોકેટ પણ ધ્યાન આકર્ષિત કરનારું હતું.
સૌથી મોટા સ્ટાર તરીકે ઉલ્લેખ
‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા દિગ્ગજ અભિનેતા વિશે લખવામાં આવ્યું છે કે, પોતાના અગણિત પ્રશંસકોમાં શાહરુખના નામથી મશહૂર, બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અને દુનિયાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક શાહરુખ મેટ ગાલામાં પહેલીવાર મહેમાન બનીને આવ્યા હતા, જ્યાં તેમણે સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરાયેલો પોશાક પહેર્યો હતો. નોંધનીય છે કે આ લિસ્ટમાં એક માત્ર ભારતીય તરીકે શાહરુખ ખાનનું નામ સામેલ કરાયું છે.


