વેબ સિરીઝ ‘આશ્રમ’ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ ભેદભાવને પ્રોત્સાહન આપે છે. તેવા આરોપસર આશ્રમના ડિરેક્ટર-મેકર પ્રકાશ ઝા વિરુદ્ધ રાજસ્થાનના લૂણીમાં FIR ફાઈલ થઇ છે.
કેસમાં તપાસ
આ કેસમાં લૂણી પોલીસ સ્ટેશનના ઓફિસર સીતારામ પવારે કહ્યું, ફરિયાદી ડીઆર મેઘવાલે તેમની ફરિયાદમાં કહ્યું છે કે, વેબ સિરીઝ ‘આશ્રમ’ના પહેલા પાર્ટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોનું અપમાન કરવામાં આવ્યું છે અને આ સિરીઝ જાતીય ભેદભાવને પ્રોત્સાહન આપે છે. અમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ની સંબંધિત કલમો હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આગળ તેના પર તપાસ ચાલી રહી છે. ફરિયાદીનો દાવો છે કે, વેબ સિરીઝના માધ્યમથી ‘ખરાબ અને ઘૃણાસ્પદ’ ઇમેજને કારણે પશ્ચિમી રાજસ્થાનમાં SC - ST સમુદાયોના લગ્નના જુલુસો દરમિયાન છેડતી અને લૂંટ જેવી ઘટનાઓ થઇ રહી છે. આ સાથે ફરિયાદીનો દાવો છે કે, વેબ સિરીઝ ‘આશ્રમ’ના પહેલા પાર્ટના પહેલા એપિસોડમાં જાતિ વિશેષ (શબ્દ) હરિજનને અપમાનજનક રીતે સંબોધિત કરવામાં આવ્યો છે. સિરીઝમાં લગ્નના એક સીન દરમ્યાન જાતિઓને નિમ્ન અને ઉચ્ચ તરીકે વર્ગીકૃત પણ કરવામાં આવ્યા છે.
ફરિયાદીએ ફરિયાદમાં આગળ કહ્યું, એક અન્ય સીનમાં ઉચ્ચ જાતિના લોકોએ કથિત નીચી જાતિના લોકો સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરતા દેખાયા છે. આ ભેદભાવ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપે છે.
અગાઉ પણ પ્રકાશ ઝાને નોટિસ
વેબ સિરીઝ ‘આશ્રમ’માં એક્ટર બોબી દેઓલ, દર્શન કુમાર અને અનુપ્રિયા ગોએન્કા લીડ રોલમાં છે. આ પહેલાં ડિસેમ્બર ૨૦૨૦માં જોધપુરની એક કોર્ટે બોબી દેઓલ અને પ્રકાશ ઝાને વેબ સિરીઝ ‘આશ્રમ’ વિરુદ્ધ ફાઈલ થયેલી ફરિયાદના કેસમાં એક નોટિસ ફટકારી હતી. પ્રકાશ ઝા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત હિન્દી ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ ‘આશ્રમ’ હરિયાણામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહના કેસ સાથે મેળ ખાય છે. ગુરમીત રામ રહીમ સિંહને ૨૦૧૭માં રેપ અને હત્યાના ગુનેગાર જાહેર કરાયા હતા. તે હાલ હરિયાણાના રોહતક જિલ્લામાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.