વેલકમ 2024ઃ બોલિવૂડ સેલિબ્રિટિઝ વિદેશ પહોંચી

Wednesday 03rd January 2024 06:36 EST
 
 

વર્ષ 2024નું સ્વાગત કરવા માટે બોલિવૂડનાં ઘણી સેલિબ્રિટિઝ વિદેશ પહોંચી હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ સેલિબ્રિટીઝનાં આ વેકેશન પિક્ચર્સથી ઉભરાઈ રહ્યું છે. કેટલાંક સ્ટાર્સ તો ચાર-પાંચ દિવસથી વિદેશમાં છે, જયારે કેટલાંક સ્ટાર્સ થર્ટી ફર્સ્ટનાં રોજ પહોંચ્યા હતા. કરીના કપૂરે સ્વિત્ઝર્લેન્ડ, સોનાક્ષી સિંહાએ ઇજિપ્ત અને શાહિદ કપૂર-મીરા રાજપૂતે ભુટાનથી મનમોહક તસવીરો શેર કરી છે.  રવિવારે કેટરીના કૈફ-વિકી કૌશલ અને તાજેતરમાં લગ્ન કરનાર રણદીપ હૂડા-લીન લુઇશરામ મુંબઇ એરપોર્ટ પર દેખાયા હતા, સની લિઓની પણ છેલ્લાં કેટલાંક દિવસથી લંડનથી માંડીને કાશ્મીર સુધીનાં સ્પોટ પર પિક્ચર્સ અને વીડિયો શેર કરી રહી છે. કયા સ્ટાર કયા દેશમાં ન્યૂયર મનાવી રહ્યા છે તેનાં પર એક નજરઃ

પરિણીતી-રાઘવ વિદેશમાં
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે તાજેતરમાં લગ્ન કરનાર પરિણીતી ચોપડા હજુ પણ હનીમુન મૂડમાં છે. નાતાલમાં લંડન ફરી આવ્યા બાદ આ સેલિબ્રિટી કપલ વિદેશમાં છે. શનિવારે પરીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં હોટેલના લક્ઝુરિયસ રૂમની તસવીર શેર કરતાં લખ્યું હતુંઃ Classy cosy NYE. જોકે તેમણે સ્થળનું નામ જણાવ્યું નહોતું.
અનુષ્કા-વિરાટ સાઉથ આફ્રિકામાં
નવા વર્ષની ઉજવણી માટે અનુષ્કા શર્મા સાઉથ આફ્રિકા પહોંચી હતી, જ્યાં પતિ-ક્રિકેટર વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સિરીઝમાં વ્યસ્ત છે. એક અહેવાલ પ્રમાણે વિરુષ્કા અને દીકરી વામિકાએ સાઉથ આફ્રિકામાં જ નવું વર્ષ મનાવ્યું હતું.
કરીના-સૈફ આલ્પ્સની પર્વતમાળામાં
કરીના કપૂર સૈફ અને બાળકો તૈમુર અને જેહ અલી ખાન છેલ્લાં કેટલાક દિવસથી સ્વિત્ઝર્લેન્ડમાં ન્યૂ યર મનાવી રહ્યા છે. કરીનાએ હોટલની બારીમાંથી આલ્પ્સ પર્વતની તસવીરો ખેંચતી તસવીર પોસ્ટ કરી હતી. શુક્રવારે પોસ્ટ કરેલી તસવીરોમાં કરીનાએ લખ્યું હતુંઃ ફોર ડેઝ ટુ 2024. વેકેશન માટે રવાના થતાં પહેલાં વિમાનની અંદરથી તૈમુરનો ફોટો શેર કરતાં કરીનાએ લખ્યું હતું, ‘બેબી ઇન ધ આલ્પ્સ. ટેકિંગ ઓફ ટુ 2024. બેટર એન્ડ બ્રાઇટર. બી યોરસેલ્ફ, રિયલ એન્ડ હેપ્પી. હેપ્પી ન્યૂ યર.’

વિકી-કેટરીના એરપોર્ટ પર દેખાયા
વિકી કૌશલ અને કેટરીના કૈફ રવિવારની સવારે મુંબઇ એરપોર્ટ પર દેખાયા હતા, તેઓ નવા વર્ષની ઉજવણી માટે રવાના થયા હતા. વિકી કેઝ્યુઅલ લુકમાં હતો, તો કેટરીના વ્હાઇટ શર્ટ અને બ્લેક ઓવરકોટમાં નજરે પડી હતી. કપલે પાપારાઝીને ખુશખુશાલ ચહેરા સાથે પોઝ આપ્યો હતો.
ક્રિતિ-વરુણ-સામંથા-સંજય દત્ત દુબઇમાં
ક્રિતિ સેનન, તેની બહેન અને અભિનેત્રી નુપુર સેનન, વરૂણ ધવન, ભૂતપુર્વ ક્રિકેટર એમએસ ધોની અને તેની પત્ની સાક્ષા ધોનીએ નવા વર્ષ પૂર્વે દુબઈમાં પાર્ટીની તસવીર શેર કરી છે. સંજય દત્ત, પત્ની માન્યતા અને બાળકો શાહરાન અને ઇકરાએ પણ દુબઇમાં થર્ટી ફર્સ્ટ મનાવી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પરિવારની તસવીરો શેર કરી હતી. અભિનેત્રી રિચા શર્મા સાથેનાં પ્રથમ લગ્નથી થયેલી પુત્રી ત્રિશલા પણ તેમની સાથે જોડાઈ હતી. અભિનેત્રી સામંથા રુથ પ્રભુ પણ દુબઈથી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી રહી છે.

સોનાક્ષી ઇજિપ્ત પહોંચી
સોનાક્ષી સિંહાએ 2023નાં યાદગાર પ્રસંગો તસવીરનાં રૂપમાં રજૂ કર્યા હતા. તેણે શનિવારે ઇજિપ્તથી પોતાની તસવીરો અને વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. રાજધાની કૈરોમાં નેશનલ મ્યુઝિયમ ઓફ ઇજિપ્શિયન સિવિલાઇઝેશન (NMCE)નાં બેકગ્રાઉન્ડમાં તસવીર પોસ્ટ કરીને લખ્યુંઃ 4000 વર્ષ જૂનાં રોયલ મમીઝ, રાણીઓનાં પ્રાચીન કોસ્મેટિક્સ અને વસ્ત્રો અને તેમનાં શાહી મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોયાં.

સુઝેન વીલાં મોંએ એરપોર્ટથી પરત
હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝેન તેના બોયફ્રેન્ડ અર્સલન ગોની સાથે ન્યૂ યર પાર્ટી એન્જોય કરવા ફોરેન જતી હતી. પણ એરપોર્ટ ટર્મિનલમાં એન્ટ્રી માટે ચેકિંગ વખતે જ પાસપોર્ટ ભૂલાઈ ગયાનો ખ્યાલ આવતાં તેમણે વિલા મોઢે પરત ફરવું પડયું હતું. સુઝેન ખાન પોતાન બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે નવા વરસની ઊજવણી કરવા મુંબઇ બહાર જવાનું આયોજન કર્યું હતું. મુંબઇ એરપોર્ટ પર સુઝેન અને અર્સલન પહોંચતા જ તસવીરકારો તેમને ઘેરી વળ્યા હતા. બંનેએ બહુ ઠાઠથી પોઝ પણ આપ્યા હતા. જોકે એરપોર્ટમાં એન્ટ્રી માટે પાસપોર્ટ માંગતા જ સુઝેને પોતાનો પાસપોર્ટ દેખાડયો હતો પરંતુ અર્સલનને યાદ આવ્યું કે પાસપોર્ટ ઘરે જ ભૂલી ગયો છે. ત્યારે સુઝેને ગોની સામે આશ્ચર્યજનક રીતે જોયું હતું. તેના ચહેરા પરનો ગુસ્સો કેમેરામાં ઝિલાઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter