વોહ કૌન? સુશાંતસિંહની આત્મહત્યા અંગે કોઇ અગાઉથી જાણતું હતું?

Friday 10th July 2020 07:03 EDT
 
 

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો બહાર આવી રહી છે. આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા કેટલાક ટ્વિટ્સમાં વિકીપીડિયા પર સુશાંતસિંહના મૃત્યુનો જે સમય દર્શાવાયો છે તે મુદ્દો છવાયો છે. આ ટ્વિટ્સમાં સુશાંતસિંહના વિકીપીડિયા પેજની રિવિઝન હિસ્ટ્રી શેર કરાઈ રહી છે. ટ્વીટ્સ અનુસાર સુશાંતના વિકીપીડિયા પેજ પર તેના નિધનની જાણકારી સવારે ૮.૫૯ કલાકે અપડેટ કરાઇ છે જ્યારે અત્યાર સુધી ઉપલબ્ધ જાણકારી અનુસાર સુશાંત લગભગ ૯.૩૦ વાગ્યે પોતાના રૂમમાંથી બહાર આવ્યો હતો. જ્યૂસ પીધો હતો અને પછી પોતાના રૂમમાં જતો રહ્યો હતો. મતલબ કે તે આ સમય સુધી તેણે આત્મઘાતી પગલું ભર્યું નહોતું. સુશાંતના નિધનના ન્યૂઝ લગભગ ૧૨ વાગ્યે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર અત્યારે જે ટ્વિટ્સ વાઈરલ થઈ રહ્યા છે એમાં લોકો સવાલો પૂછી રહ્યા છે કે, આખરે એ પોસિબલ જ કેવી રીતે બને કે, વિકીપીડિયા પર સુશાંતના નિધનના ન્યૂઝને અગાઉથી જ અપડેટ કરવામાં આવ્યા હોય? આવા ન્યૂઝ કોણે અપડેટ કર્યા હતા તેની તપાસ કરવાની જરૂર છે.

સુશાંતે ૫૦ સિમ કાર્ડ બદલ્યાઃ શેખર

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ શેખર સુમન આ સ્વર્ગસ્થ એક્ટરના પટનાસ્થિત ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરીને દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ મામલે સતત સીબીઆઈ તપાસની ડિમાન્ડ કરી રહેલા શેખર સુમને પરિવાર સાથે મુલાકાત બાદ પટનામાં પત્રકારો સાથે વાત કરતાં અનેક સવાલો ઉઠાવ્યા હતા. શેખર સુમનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં તેઓ મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘ત્યાં કોઈ સ્યુસાઇડ નોટ નહોતી. જો સ્યુસાઇડ નોટ હોત તો એ ઓપન એન્ડ શટ કેસ થઈ ગયો હોત. એ જ સમયે આ કેસનો અંત આવી ગયો હોત. હવે જ્યારે સ્યુસાઇડ નોટ નથી ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે.’ શેખર વધુમાં કહે છે કે, ‘એક છોકરો કે જે રાત્રે પાર્ટી કરતો હતો, જે સવારે જાગીને પ્લે સ્ટેશન પર હતો, જે એક ગ્લાસ જ્યૂસ માગે છે, આવીને બેસે છે, તેના મનમાં એવી શું વાત આવી કે, તેણે વિચાર્યું કે, ચાલો હવે સ્યુસાઇડ કરી લઈએ. આ વાત માનવામાં આવતી નથી. સીસીટીવી કેમેરા સાથે છેડછાડ કરાઇ છે. તેણે ગયા મહિને લગભગ ૫૦ સિમ કાર્ડ્ઝ ચેન્જ કર્યા હતા. આખરે તેણે શા માટે સિમ કાર્ડ્ઝ ચેન્જ કર્યા હતા? જ્યારે વ્યક્તિ કોઈને એવોઇડ કરવાની કોશિશ કરી રહી હોય, કોઈનાથી બચવાની કોશિશ થઈ રહી હોય, જ્યારે ધમકીઓ મળી રહી હોય કે જ્યારે કોઈ ડર હોય ત્યારે જ વ્યક્તિ સિમ કાર્ડ્ઝ બદલે.’

શેખરે વધુમાં કહ્યું હતું કે, ‘જે એક મહત્વનો પોઇન્ટ બહાર આવ્યો છે કે, ગળામાં જે લાલ નિશાન છે એ કૂર્તાનો હોય તો એ નિશાન થોડુંક મોટું હોવું જોઇતું હતું. તે દોરડાનું નિશાન લાગે છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્યુસાઇડ કરે છે તો એમાં વીનું નિશાન હોવું જોઈએ. કેમ કે, દોરડું ઉપરની તરફ હોય છે. જુઓ હું કોઈ ફોરેન્સિક એક્સપર્ટ નથી કે ન તો હું સીબીઆઈ તરફથી કહી રહ્યો છું. અત્યારે બધાના દિમાગમાં જે સવાલો છે એ જ હું કહી રહ્યો છું.’ શેખરે પત્રકારો સાથેની વાતચીતમાં આ સવાલો તો ઉઠાવ્યા છે, સુશાંતસિંહના પરિવારજનો તેમના આવા અભિગમથી નારાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter