બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂર ભલે આપણી વચ્ચે સદેહે નથી રહ્યા, પરંતુ યાદોમાં અને ફિલ્મો થકી તેઓ હયાત છે. રિશિ કપૂર માંદગીના કારણે તેમની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’નું શૂટિંગ પૂરું કરી શક્યા નહોતા. બાદમાં આ ફિલ્મને પરેશ રાવલ સાથે પૂરી કરવામાં આવી છે. આ એક એવી હિન્દી ફિલ્મ છે જેમાં બે દિગ્ગજ અભિનેતાઓ રિશી કપૂર અને પરેશ રાવલ એકસાથે એક જ પાત્ર નિભાવતા જોવા મળશે. ‘શર્માજી નમકીન’માં એવા નિવૃત્ત વ્યક્તિની વાર્તા છે જેમનો મહિલાઓના કિટી સર્કલમાં સામેલ થયા બાદ કૂકિંગનો શોખ નીખરે છે. પોતાને શોધવાની અને સેલ્ફ રિયલાઇઝેશનની રસપ્રદ વાર્તા ફિલ્મમાં દર્શાવાઇ છે. હિતેશ ભાટિયાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 31 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જૂહી ચાવલા, સુહૈલ નય્યર, તારુક રૈના, સતીષ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઇશા તલવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


