શશીકલાએ ૮૮ વર્ષે મુંબઈમાં આખરી શ્વાસ લીધાં

Thursday 08th April 2021 06:41 EDT
 
 

બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી તેમજ હિન્દી ફિલ્મોમાં ખલનાયિકા તરીકે આગવી ઓળખ ઉભી કરનારાં શશીકલાનું ૮૮ વર્ષની વયે રવિવારે નિધન થયું છે. તેમણે ૭૦ના દાયકામાં હિરોઈન તેમજ વિલન એમ બન્ને પ્રકારના પાત્રો ભજવ્યાં છે. ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શશીકલા મહારાષ્ટ્રીયન પરિવારમાંથી આવતા હતા અને તેમનું પૂરું નામ શશીકલા જાવલકર હતું. તેમણે ફિલ્મોની સાથે ટચૂકડે પડદે પણ કામ કર્યું હતું. ૨૦૦૭માં શશિકલાને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યાં હતાં.

નોકરાણીમાંથી બોલિવૂડનાં ટોચનાં અભિનેત્રી

ચોથી ઓગસ્ટ ૧૯૩૨ના રોજ સોલાપુરમાં જન્મેલા શશીકલાએ તેમના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા હતાં. તેનું બાળપણ ખુશહાલીમાં વીત્યું હતું તો તેમણે કારમા સંઘર્ષના દિવસો પણ જોયા હતા. પાંચ વર્ષની વયથી નૃત્ય અને ગાયનમાં રસ ધરાવનારા શશીકલાએ સોલાપુરમાં નૃત્યના ઘણા કાર્યક્રમો કર્યા હતા. ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરી રહેલી નાનકડી શશીકલાના પરિવારમાં અચાનક આર્થિક સંકટ આવી પડ્યું. શશીકલાના છ ભાઈ-બહેન હતાં અને તેમના પિતા મોટાં બિઝનેસમેન હતા. પિતાનો બિઝનેસ ઠપ્પ થતાં કામની શોધમાં તેઓ મુંબઈ આવ્યા હતા. આ દરમિયાન તેમણે એક ઘરમાં નોકરાણી તરીકે પણ કામ કર્યું હતું. તેમની મુલાકાત નૂરજહાં સાથે થઈ. શશીકલાની પ્રથમ ફિલ્મ જીત નૂરજહાંના પતિ શૌકત રિઝવીએ બનાવી હતી. તેમણે શશીકલાને સ્ટુડિયોમાં ૪૦૦ રૂપિયાના પગારે નોકરી આપી. શશીકલાને અભિનય દેખાડવાનો પ્રથમ મોકો ‘જૂગનુ’ ફિલ્મમાં મળ્યો. શશીકલાનું પાત્ર સારું હતું અને ધીરે ધીરે તેમને પ્રસિદ્ધિ મળતી ગઈ. તેમણે પોતાના પરિવારની દરિદ્રતા દૂર કરી, પરંતુ અભિનેત્રીના પાત્રો કરતા વધુ નામના તેમના વિલનના પાત્રોમાં મળી. તેમણે ‘ચાર રસ્તા’, ’હમજોલી’, ‘સરગમ’, ‘ચોરીચોરી’, ‘નીલકમલ’, ‘અનુપમા’, ‘ખૂબસુરત’, ‘નૌ દો ગ્યારહ’ જેવી ફિલ્મોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમના વિવાહ ઓમ સહગલ સાથે થયા. સંસારમાં પરોવાયેલી અભિનેત્રી ફિલ્મીજગતથી દૂર થઈ ગઈ. બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોથી માંડીને રંગીન ફિલ્મો સુધી અને દિલીપકુમારથી માંડી સલમાન ખાન સુધીના કલાકારો સાથે તેમણે કામ કર્યું હતું. છેલ્લે તેમણે ‘કભી ખુશી કભી ગમ’માં કામ કર્યું હતું. તે સિવાય ટચુકડા પડદે ‘અપનાપન’, ‘દિલ દે કે દેખો’, ‘સોન પરી’ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમને ઉત્તમ સહાયક અભિનેત્રી માટે ત્રણ ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ અને લાઇફટાઇમ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter