છેલ્લા લાંબા સમયથી પાન મસાલાની એડવર્ટ કરી રહેલા કિંગ ખાન શાહરુખ, અજય દેવન અને ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં સપડાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ ત્રણેય અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શો-કોઝ નોટિસ ફટકારાઇ છે. આ ત્રણેય કલાકારો પર ઈલાયચીની આડમાં પ્રતિબંધિત પાનમસાલાની બ્રાન્ડનું પરોક્ષ રીતે પ્રમોશન કરવાનો ગંભીર આરોપ મૂકાયો છે.
એફડીએના મતે, પ્રથમ દ્રષ્ટિએ આ જાહેરાત એ બ્રાન્ડનો પ્રચાર કરે છે, જે મુખ્યત્વે પાનમસાલા અને તમાકુ ઉત્પાદનો સાથે જોડાયેલી છે. શુક્રવાર - 14 ઓગસ્ટના રોજ ઇશ્યૂ કરાયેલી આ નોટિસમાં કલાકારો પાસે તેમના એન્ડોર્સમેન્ટ એગ્રીમેન્ટ, પેમેન્ટ ડિટેલ્સ અને જાહેરાત સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ માગવામાં આવ્યા છે. હવે તેમણે એ સાબિત કરવું પડશે કે બજારમાં વેચાતી આ એક સ્વતંત્ર પ્રોડક્ટ છે અને તે પાન મસાલાના પ્રચાર માટેનો કીમિયો નથી. મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ જુલાઈ 2026થી પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ત્રિપુટીને જવાબ આપવા માટે એફડીએ દ્વારા 15 દિવસ અપાયા છે.
દરમિયાન એનસીપી પ્રવક્તા શાયના એનસીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ગુટખા અને પાન મસાલા સ્વાસ્થ્ય માટે કેટલા ખતરનાક છે તે આપણે સૌ જાણીએ છીએ. અમારા નેતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાજેતરમાં જ એફડીએ કમિશનર તુકારામ મુંડે સાથે મુલાકાત કરી હતી અને જનહિતમાં આ યોગ્ય કદમ ઉઠાવાયું છે.


