શાહરુખ ખાને બીજી નવેમ્બરે 60મા જન્મદિવસની ઉજવણી કરી. દર્શકો જેની પ્રતિક્ષા કરી રહ્યા છે તે ફિલ્મ ‘કિંગ’ના કેટલાક અપડેટ પણ સામે આવ્યા છે. શાહરુખ ખાને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો જારી કરીને ‘કિંગ’ ફિલ્મનું ટાઇટલ રિવીલ કર્યું છે. વીડિયોમાં શાહરુખ ફરી એક્શન મોડમાં જોવા મળે છે. શાહરુખ ખાનના જન્મદિને રેડ ચિલીઝની ટ્યૂબ ચેનલ પર એનાઉન્સમેન્ટ વીડિયો શેર કરીને શાહરુખે ટાઈટલની સત્તાવાર જાહેરાત કરી છે. વીડિયોના આરંભમાં સમુદ્રના દૃષ્યો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં શાહરુખનો અવાજ ગૂંજે છેઃ - ‘ડર નહીં, દહેશત હૂં! ઈટ ઈઝ શો ટાઈમ...!’
વીડિયોમાં શાહરુખનો ખૂંખાર અંદાજ જોવા મળે છે. ગોળીબાર અને મારધાડના અવાજો સંભળાતા રહે છે. છેલ્લા દૃષ્યમાં તો શાહરુખ વાર કરીને સામેવાળાના દાંત તોડી નાખે છે. સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ‘સો દેશોમાં બદનામ, વિશ્વે એક જ નામ આપ્યું છે - ‘કિંગ’ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.’
ફિલ્મમાં શાહરુખ સિદ્ધાર્થ આનંદ સાથે ફિલ્મ ‘પઠાન’ પછી બીજી વાર કામ કરે છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માફ્લિરક્સ ફિલ્મના બેનર હેઠળ ફિલ્મ બની છે. ‘કિંગ’ ફિલ્મનો એનાઉન્સમેન્ટ વીડિયો જોઈને દર્શકો ખુશ છે. યૂઝર્સ હકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. યૂઝર્સ કહી રહ્યા છેઃ ‘ક્યોં પડે હો ચક્કર મેં, કોઈ નહીં હૈ ટક્કરમેં.’


