શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં જવા માગે છે તેથી વિદેશ પ્રવાસની છૂટ આપવી જોઇએ. આ બાબતમાં અદાલતે કહ્યું કે તેમના જવા સામે કશો પ્રતિબંધ નથી, પરંતુ પહેલાં 60 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. હકીકતમાં દંપતી પર આરોપ છે કે તેમણે એક બિઝનેસમેન પાસેથી 60 કરોડ રૂપિયા લીધા અને પાછા ન આપ્યા. બિઝનેસમેન દીપક કોઠારીનો આરોપ છે કે શિલ્પા અને રાજ કુંદ્રાએ તેમની પાસેથી બિઝનેસના નામે આ રકમ લોનપેટે લીધી હતી, પણ તેનો પોતાના અંગત ખર્ચા માટે ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીના ઘરે ગયા સપ્તાહે જ આર્થિક અપરાધ શાખાની ટીમ પહોંચી હતી અને આ કેસ સંદર્ભમાં તેની પાંચેક કલાક સુધી પૂછપરછ કરી હતી. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે આ કેસ તેમની જૂની એડ કંપની બેસ્ટ ડીલ પ્રા.લિ. સાથે સંકળાયેલો છે. દરમિયાન, રાજની હજી વધુ પૂછપરછ થઈ શકે છે. આ પહેલો કેસ નથી જેમાં શિલ્પા અને તેના પતિએ કાયદાકીય વિવાદનો સામનો કરવો પડયો હોય. આની પહેલા 2021માં પોર્નોગ્રાફીના એક કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.