શેખર કપૂર બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર છે, જેમણે ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી હિટ ફિલ્મ તો ડાકુરાણી ફુલનના જીવન આધારિત ‘બેન્ડીક ક્વીન’ જેવી યાદગાર ફિલ્મો આપી છે. ‘મિસ્ટર ઇન્ડિયા’માં અનિલ કપૂર અને શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતાં અને બોની કપૂરે ફિલ્મને પ્રોડ્યૂસ કરી હતી.
શેખર કપૂરે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રીદેવી સાથે કામ કરવાના પોતાના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે તબિયત સારી ન હોવા છતાં શ્રીદેવીએ કઈ રીતે ફિલ્મનું ગીત શૂટ કર્યું. આ ઉપરાંત શેખર કપૂરે કહ્યું કે, શ્રીદેવી તેમની ક્રશ બની ગઈ હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન શેખર કપૂરે કહ્યું, શ્રીદેવીને 103 જેટલો તાવ હતો પરંતુ, તેણે આ વિશે કોઈને કશું કહ્યું નહીં અને કામ કરતી રહી, અને તે પણ પોતાની ફુલ એનર્જી સાથે. શેખર કપૂર કહે છે કે, પછીથી એક કોરિઓગ્રાફરે મને જણાવ્યું ત્યારે ખબર પડી કે તે બીમાર છે. શેખર કપૂરે કહ્યું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ તેમને શ્રીદેવી પર ક્રશ થઈ ગયો હતો. શેખર માટે શ્રીદેવી માત્ર એક્ટ્રેસ નહીં, પણ તેમની ફિલ્મનું દિલ અને આત્મા હતી.
શેખર કપૂર કહે છે, ‘મિસ્ટર ઈન્ડિયા’ શ્રીદેવીની છે. ઉલ્લેખનીય છે કે ‘મિસ્ટર ઇન્ડિયા’ માત્ર ભારતમાં જ નહીં બલકે, ઈન્ટરનેશનલ લેવલે પણ સક્સેસફુલ મૂવી હતી, જેમાં ચીન પણ સામેલ છે. શ્રીદેવીને આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે સ્પેશિયલ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.