શ્વેતા તિવારીના નિવેદનથી વિવાદનો વંટોળ

Sunday 06th February 2022 06:03 EST
 
 

‘અહીં ભગવાન મારી બ્રાની સાઈઝ માપી રહ્યા છે’, એવું ભોપાલમાં વેબ સીરિઝના પ્રમોશન વેળા અણછાજતું, વિવાદાસ્પદ નિવેદન કરીને ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ વિવાદનો વંટોળ સર્જ્યો છે. આમ આદમીથી માંડીને મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન ડો. નરોત્તમ મિશ્રાએ ટીકાની ઝડી વરસાવ્યા બાદ શ્વેતાએ જાહેર માફી તો માગી છે, પણ વિવાદ શમે તેમ લાગતું નથી. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. વાત એમ છે કે ફેશન વર્લ્ડ પર આધારિત ‘શો સ્ટોપર્સ’ નામની વેબ સીરિઝમાં શ્વેતા તિવારી, કંવલજિત સિંહ, રોહિત રોય, સૌરભ રાજ જેવા કલાકારો છે. આ કલાકારોએ ભોપાલમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં એક પત્રકારે અભિનેતા સૌરભ રાજ જૈનને પૂછયું, ‘તમે તો ભગવાનના પાત્રો ભજવવા માટે જાણીતા છો તો ફેશન વર્લ્ડમાં કેવી રીતે ફસાઈ ગયા?’ પ્રશ્નના ઉત્તરમાં સૌરભ કંઈ કહે એ પહેલાં જ મજાકમાં શ્વેતા તિવારી બોલી ગઈ, ‘અહીં તો ભગવાન મારી બ્રાની સાઈઝનું માપ લઈ રહ્યા છે.’  શ્વેતા તિવારીએ સૌરભના પાત્ર સંદર્ભે કહ્યું હતું. જોકે આ સ્ટેટમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં વિવાદ ઉઠ્યો હતો. ભોપાલમાં તો લોકોએ તેના પોસ્ટર બાળીને આક્રોશને વાચા આપી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter