સંગીતકાર કલ્યાણજીને અંજલિ : પલ પલ આપ દિલકે પાસ હો…

-જ્યોત્સના શાહ Tuesday 01st September 2020 15:36 EDT
 
 

૨૪ ઓગષ્ટ ૨૦૦૦ના રોજ જાણીતી સંગીતકાર બેલડીના શ્રી કલ્યાણજીભાઇએ અંતિમ શ્વાસ લીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો હતો. આજે એ ઘટનાને પૂરા વીસ વર્ષના વ્હાણા વાયા છતાં સંગીતના સૂરોમાં, લયમાં, ગીતોમાં એ સદાય જીવંત રહ્યા છે.

મૂળ કચ્છના વતની શ્રી વીરજી શાહનું કુટુંબ કમાણી માટે મુંબઇ આવ્યું અને કિરાણાની દુકાન ખોલી. દુકાનમાં એક ગ્રાહક નાણાં ચૂકવી શકતો ન હતો. ઉધારીનું બીલ ચૂકવી ન શકનાર એ ગ્રાહકે એમના બે દિકરાઓને સંગીત શીખવવાની ઓફર કરી. ત્યારથી કલ્યાણજી-આણંદજી સંગીતકાર બેલડીનો પાયો નંખાયો. ઋણનું આ ઋણ! જેના કારણે હિન્દી ફિલ્મ જગતને સદાય માટે એમનું ઋણી બનાવી દીધું.

એમણે સંગીત આપેલ લોકપ્રિય ફિલ્મોમાં છલીયા, કોરા કાગઝ, સરસ્વતિચંદ્ર, મદારી, હિમાલયકી ગોદમેં, મુકદ્દરકા સિકંદર, લાવારિસ, ધર્માત્મા, કુરબાની, જાંબાઝ વગેરે અનેક છે. એના ગીતોમાં "અકેલે હૈ, અકેલે ચલે જાઓ, ચંદન સા બદન, ચાંદસી મહેબૂબા, છલીયા મેરા નામ, છોટી સી ઉમરમેં લગ ગયા રોગ જેવા સેંકડો ગીતોનો ચાહક વર્ગ આજે ય હયાત છે. જૂની ફિલ્મોના સંગીતના શબ્દો અને સૂરોમાં જે ખૂબી હતી એ આજે ભાગ્યેજ જોવા મળે છે.

આણંદજીભાઇ લંડન આવે ત્યારે અચૂક ગુજરાત સમાચારની મુલાકાત લે અને એમની સાથે ફિલ્મ સંગીત સિવાય સંસ્કૃતિ અને સંસ્કારની વાતો કરવાની મજા આવે. એમના સ્વભાવમાં રમૂજ પણ ખરી. નામ પ્રમાણે સદાય આનંદમાં રહેતા આણંદજીભાઇને હું ભારત જાઉ અને મુંબઇમાં હોય તો અચૂક મુલાકાત થાય. એમના સ્વભાવની ગરિમા એમને મળનારને સ્પર્શ્યા વિના ન રહે એવી એ જોડીનો એક મણકો વિખૂટો પડી ગયો.

આણંદજીભાઇની દિકરી, એમની ભત્રીજી રીટાબેન જે લંડનમાં રહે છે. તેઓ એ દિવસને યાદ કરતા લખે છે કે, "અમારા સમગ્ર પરિવાર માટે એ કાળો દિન હતો. એમની સાથે વીતાવેલ એ મધુર પળોને હું કેવી રીતે ભૂલી શકું? એમના આનંદી સ્વભાવને કારણે એ વખતે રોજ-રોજ ઉત્સવનો માહોલ છવાઇ જતો. એમની પાસે વીઝન હતું. જેઓ માત્ર અને માત્ર સંગીત માટે જીવ્યા હતા. નવી પેઢીને તાલીમ આપી કલાકારો તૈયાર કરવામાં એમણે એમનો બધો જ સમય ન્યોછાવર કરી દીધો હતો.

આજે મારા એ લેજન્ડ કાકા, જેમને હું બાપા કહેતી હતી એમને ભાવભરી અંજલિ અર્પુ છું.”

એમની ૨૦મી મૃત્યુ તિથિએ હું કહીશ, ‘ચાહે દૂર હો, ચાહે પાસ હો ઔર જબતક ગંગામેં પાની બહતા રહે, આપકી નાગિનકી બીનસે લેકે ઔર બહુત સારે અનમોલ ગાને લોગોંકો આપકી યાદ કભી મીટને નહિ દેગી. જૈસે સબ કહતે હૈ જીંદગીકા સફર, કોઇ સમઝે નહિ. અમે આજના દિને અને સદાય આપને યાદ કરતા રહીશું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter