સંજય દત્તે સમજદારી બતાવી હોત તો મુંબઇ બ્લાસ્ટને રોકી શકાય હોત!

Wednesday 29th July 2026 09:28 EDT
 
 

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આગામી ફિલ્મ ‘પ્રહાર’ને લઈ ચર્ચામાં છે, જેમાં તેઓ દેશના પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી રહ્યા છે. આ દરમિયાન વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે એક ઈન્ટરવ્યુમાં 1993 મુંબઈ બ્લાસ્ટ અને અભિનેતા સંજય દત્તની ભૂમિકાને લઈ ચોંકાવનારો દાવો કર્યો છે.
ઉજ્જવલ નિકમના મતે, જો સંજય દત્તે યોગ્ય સમયે સમજદારી બતાવી હોત તો મુંબઈમાં થયેલા એ ભયાનક બોમ્બ ધડાકા રોકી શકાયા હોત અને સેંકડો નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત.
ઉજ્જવલ નિકમે જણાવ્યું કે, ધડાકા પહેલાં ગેંગસ્ટર અબુ સાલેમ એક ટ્રકમાં ભારે માત્રામાં હેન્ડ ગ્રેનેડ અને AK-47 જેવી ઘાતક રાઇફલો લઈને આવ્યો હતો. સંજય દત્તે તેમાંથી કેટલાક હથિયારો પોતાના ઘરમાં રાખી લીધા હતા. જોકે બાદમાં તેમણે હેન્ડ ગ્રેનેડ પરત પણ કરી દીધા હતા. સંજય દત્ત પાસે એક મોટો મોકો હતો. જો હથિયારો ડર્યા વગર પોલીસને જાણ કરી હોત, તો ઘટના કંઈક અલગ હોત. પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હોત અને ધડાકાના ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાયું હોત.
‘સંજય દત્ત આતંકવાદી નહોતા’
જોકે આ સાથે જ ઉજ્જવલ નિકમે એક વાત સ્પષ્ટ કરી હતી કે સંજય દત્ત કોઈ આતંકવાદી નહોતા. તેમનો ઈરાદો દેશવિરોધી કૃત્ય કે આતંકી હુમલો કરવાનો પણ નહોતો. વાસ્તવમાં તેમને અદ્યતન હથિયારો રાખવાનો ભારે શોખ હતો. આ જ શોખ અને બેદરકારી તેમના માટે ભારે પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter