ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આજે હોલિવૂડમાં આગવું સ્થાન ધરાવે છે, પરંતુ તેની આ સફળતા પાછળ એક એવું દર્દ છુપાયેલું છે જે તેણે વર્ષો સુધી દબાવી રાખ્યું હતું. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ સ્વીકાર્યું છે કે, તે ક્યારેય પોતાની મરજીથી બોલિવૂડ છોડવા માગતી ન હતી, પરંતુ ઈન્ડસ્ટ્રીના આંતરિક રાજકારણને કારણે તેને ભારતની બહાર કામ શોધવા માટે ‘પુશ’ (ધકેલવામાં) કરવામાં આવી હતી.
પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા પ્રિયંકાએ જણાવ્યું કે, મને મારી ઈન્ડિયન ફિલ્મો અને આ ઈન્ડસ્ટ્રી પ્રત્યે ઘણો પ્રેમ છે. પરંતુ હિન્દી ફિલ્મોમાં કામ કરતી વખતે એક તબક્કો એવો આવ્યો જ્યારે હું મારી જાતને મર્યાદિત અને અસહાય અનુભવતી હતી. મને અમુક ખૂણામાં ધકેલી દેવામાં આવી હતી, લોકો મારી સાથે કામ કરવા તૈયાર ન હતા અને મને મળતી તકો ઘટી રહી હતી. એક કલાકાર તરીકે હું બહુ ગૂંગળામણ અનુભવતી હતી અને મારે કંઈક નવું અને રોમાંચક કરવું હતું. આ સંજોગોએ જ મને હોલિવૂડ જવાની પ્રેરણા આપી.
બન્ને ઈન્ડસ્ટ્રી પ્રત્યે સમાન પ્રેમ
જોકે, પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું કે તેને ભારતીય ફિલ્મો પ્રત્યે અતૂટ પ્રેમ છે. હાલમાં તે ભારત આવીને પોતાની આગામી ફિલ્મ ‘વારાણસી’ પર કામ કરી રહી છે. તેણે ઉમેર્યું કે મારે ક્યારેય બોલિવૂડ કે હોલિવૂડ વચ્ચે કોઈ એકની પસંદગી કરવી નથી. મને બન્ને ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે સમાન પ્રેમ - લગાવ છે.


