સન 1970ની બંગાળી ફિલ્મ ‘અરણ્યેર દિનરાત્રિ’ અમેરિકામાં ડિજિટલ અવતારમાં ફરીથી લોન્ચ કરાઈ છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની ફિલ્મ બે અઠવાડિયા માટે મેનહટનના પ્રખ્યાત આર્ટ-હાઉસ સિનેમા ‘ફિલ્મ ફોરમ’ ખાતે નવા 4K ફોર્મેટમાં ફરીથી પ્રદર્શિત કરાઇ છે. આ ફિલ્મને ધ ફિલ્મ ફાઉન્ડેશન, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને જૂની ફિલ્મોને સાચવતી સંસ્થા જાનુસ ફિલ્મ્સ દ્વારા નવો ઓપ અપાયો છે. ગત વર્ષે આ ફિલ્મ ન્યૂ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરાઈ હતી.
કોલકાતાના શહેરી વાતાવરણમાં રહેતા ચાર મિત્રોની મોજ-મસ્તી પાછળ છુપાયેલા પુરુષપ્રધાન અને જાતિના ગૌરવની વાર્તા પર આધારિત ‘અરણ્યેર દિનરાત્રિ’ આજે પણ એટલી જ સુસંગત છે, જેટલી 1970માં હતી. આ ફિલ્મ કોલકાતા (તત્કાલિન કલકત્તા)ના ઉચ્ચ જાતિના, શિક્ષિત, અંગ્રેજી બોલતા કુંવારા આશીમ, સંજય, હરિ અને શેખરની વાર્તા છે, જે શહેરના ઘોંઘાટથી દૂર ઝારખંડના પલામુના જંગલોમાં ફરવા જાય છે. અહીં, તેઓ સંથાલ પ્રદેશના આદિવાસી સમુદાયો અને ગામડાંમાંથી આગળ વધે છે. તેઓ રૂમ બુક કરાવ્યા વિના સરકારી ગેસ્ટ હાઉસમાં પહોંચે છે, ચોકીદારને લાંચ આપે છે અને મજાકમાં અંગ્રેજીમાં કહે છે, ‘ભ્રષ્ટાચાર માટે ભગવાનનો આભાર’.
'અરણ્યેર દિનરાત્રિ' 1970માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન એવોર્ડ માટે નોમિનેટ થઇ હતી. આ ફિલ્મનું શૂટિંગ ઝારખંડના જંગલોમાં કરાયું છે.


