પીઢ અભિનેતા સૈફ અલી ખાન ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર અને બન્ને પુત્રો તૈમુર તથા જેહ સાથે સમર વેકેશન માણવા લંડન પહોંચી ગયો છે. આ સૈફના સમર બ્રેકમાં આ વખતે બે સોશ્યલ ઈવેન્ટસ પણ સામેલ છે. બહુ ઓછા લોકો જાણે છે કે લંડન સૈફનું સૌથી માનીતું શહેર છે. આથી એ ચોક્કસ લંડનના વર્લ્ડ ફેમસ હાઈડ પાર્કમાં ફરવા જશે, બાળકો સાથે જાતજાતની રાઈડસનો આનંદ લેશે અને પોતાની ફેવરિટ ઇંગ્લીશ વાનગીઓનો સ્વાદ માણશે. જોકે આ બધાની સાથોસાથ એક્ટર અમુક દિવસ પોતાના પેરેન્ટસ માટે પણ ફાળવશે.
બોલિવૂડનું આ સુપરસ્ટાર કપલ - સૈફ અને કરિના આ વખતે લંડનમાં યોજાનારી બે અગત્યની ઈવેન્ટસનું આકર્ષણ બનવાના છે. પહેલી ઈવેન્ટ સૈફના ક્રિકેટર પિતા સદ્ગત નવાબ ઔફ પટોડી મન્સૂર અલી ખાનના માનમાં યોજાવાની છે. ઈવેન્ટ હેમ્પશાયરમાં યોજાવાની છે, જ્યાંની કોલેજમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને શિક્ષણ લીધું હતું. મન્સુર અલી ખાન ઉર્ફે ટાઈગર પટૌડી 1954થી 1959 દરમિયાન હેમ્પશાયરની વિન્ચસ્ટર કોલેજના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ પૈકીના એક હતા. અહીં જ ક્રિકેટની તાલિમ લઈ તેઓ એક ઉત્તમ બેટ્સમેન બન્યા હતા. એમણે ઓક્સફર્ડની બલીઓલ કોલેજમાં પણ શિક્ષણ લીધું હતું. પિતાના પગલે સૈફ પણ વિન્ચસ્ટર કોલેજમાં ભણ્યો છે. જ્યારે એની નાની બહેન સોહાએ ઓક્સફર્ડમાં હાયર એજ્યુકેશન લીધું છે.
લંડન મુકામ દરમિયાન સૈફ જે બીજી ઈવેન્ટમાં હાજરી આપવાનો છે એ બરખા દત્તનો ટોક શો છે, જે લંડન સિટીના રિવરસાઈડ સ્ટુડિયોઝમાં રેકોર્ડ થવાનો છે. હેમ્પશાયરની ઈવેન્ટમાં કરિના અને બંને દીકરા હાજર રહેશે. જ્યારે શર્મિલા ટાગોર બંને ઈવેન્ટ્સમાં હાજર રહેશે એવી ધારણાં રખાય છે. બરખા દત્તના ટોક શોમાં સૈફ અને શર્મિલા ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી શેફાલી શાહની પણ હાજરી હશે.


