‘સિંઘમ‘, ‘ગોલમાલ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ સહિતની ફિલ્મોના જાણીતા સર્જક રોહિત શેટ્ટી પર ગોળીબારની ઘટનાએ મુંબઇ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી છે. રોહિત શેટ્ટીના મુંબઇસ્થિત જૂહુના નિવાસસ્થાન બહાર શનિવારે મોડી રાત્રે બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં બોલિવૂડમાં ફફડાટનું મોજું ફરી વળ્યું છે. અગાઉ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારી અને સલમાન ખાન સહિત બોલિવૂડના અનેક કલાકારોના નિકટવર્તી રાજકીય નેતા બાબા સિદિકીની હત્યા કરનારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે જ આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે.
ગોળીબાર બાદ એક ફેસબૂક પેજ પર બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારવાની સાથે હવે રોહિત શેટ્ટીને સીધી જ છાતીમાં ગોળી મારશું તેવી ધમકી પણ આપી હતી. શનિવારે રાતે પોણા એક વાગ્યાના અરસામાં થયેલા ફાયરિંગમાં કાચ તૂટી ગયો હતો. જોકે, ગોળીબારમાં કોઈનેય ઈજા થઈ ન હતી. ગણતરીના કલાકોમાં જ પૂણે પોલીસે પાંચ શકમંદોની અટકાયત કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વારજે-માલવાડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પૂણે શહેરના કર્વે નગર અને ધાયરી વિસ્તારોમાંથી આ ઘટનાના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે મધરાત્રે 12.45 વાગ્યે બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ રોહિત શેટ્ટીના જૂહુમાં આવેલ ‘શેટ્ટી ટાવર’ નામના બહુમાળી નિવાસસ્થાન પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ નવ માળની ઈમારત પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી ઈમારતમાં પહેલા માળે આવેલ જીમના કાચમાં લાગી હતી.


