સલમાન 19 માળની વૈભવી હોટેલ બનાવશે

Sunday 28th May 2023 09:59 EDT
 
 

સલીમ ખાન બોલિવૂડનું એ નામ છે જેમણે એકથી ચઢતી એક ફિલ્મોની કહાની લખી છે. તેમનો દીકરો સલમાન ખાન બોલિવૂડનો એ દિગ્ગજ એક્ટર છે, જે વર્ષોથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે. સલમાનને ગાડીઓનો ખૂબ જ શોખ છે. તાજેતરમાં જ તેણે બુલેટપ્રૂફ કાર ખરીદી હતી તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે અહેવાલ છે કે, ‘ભાઈજાન’ મુંબઈના બાંદરામાં 19 માળની એક હોટેલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે જે દરિયાકિનારે બનાવાશે. સલમાનની આ હોટેલ કુતુબ મિનારની ઉંચાઈ જેવી જ હશે. બોલિવૂડ સ્ટાર્સ મોટા ભાગે લક્ઝરી એપાર્ટમેન્ટ અને બંગલો ખરીદે છે, પરંતુ સલમાને લક્ઝુરિયસ હોટેલ બનાવવાની યોજના હાથ ધરી છે. સલમાન ખાનના પરિવારે બાંદ્રાના કાર્ટર રોડ પર 19 માળની બિલ્ડીંગ હોટેલ બનાવે તેવી શક્યતા છે. આ સી ફેસિંગ એરિયા છે અને અહીંનો નજારો ખૂબ જ શાનદાર છે. જ્યારે ખાન્સે આ મિલકત ખરીદી ત્યારે તેને રહેણાંક મકાનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. બાદમાં પ્લાનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટી સલમાન ખાનની માતા સલમા ખાનના નામે છે. સલમાન ખાન અને તેના પરિવારની આ 19 માળની હોટેલની ઊંચાઈ દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર કરતાં થોડી ઓછી હશે. 19 માળની આ હોટેલ 69.9 મીટરની હશે, જ્યારે કુતુબ મિનારની ઊંચાઈ 73 મીટર છે.
મુંબઇ કોર્પોરેશનને સબમિટ કરાયેલા પ્રસ્તાવ અનુસાર બિલ્ડિંગમાં કેફે અને રેસ્ટોરાં ઉપરાંત ત્રીજા ફ્લોર પર જીમ અને સ્વિમિંગ પૂલ, ચોથા ફ્લોરને સર્વિસ ફ્લોર તરીકે બનાવાશે. બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા ફ્લોરનો કન્વેન્શન સેન્ટર તરીકે ઉપયોગ કરાશે. બિલ્ડિંગના પ્લાનમાં હોટેલ માટે 7થી 19 માળ સુધીની જગ્યા રાખવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter