સલમાન બુલેટપ્રૂફ કારમાં ફરવા લાગ્યો

Friday 12th August 2022 06:29 EDT
 
 

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી લોરેન્સ બિશ્નોઈએ પોતે સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડયું હોવાની અને સલમાનને ઠાર કરવાની ધમકી આપતો પત્ર મોકલાવ્યો હોવાની કબૂલાત કર્યા બાદ સલમાન પોતાની સુરક્ષા માટે સતર્ક થઈ ગયો છે. તેણે હવે બૂલેટપ્રૂફ કારનો ઉપયોગ ચાલુ કરી દીધો છે. સલમાન લાંબા સમયથી મોટા ભાગે ટોયોટા લેન્ડ ક્રૂઝર કારનો જ ઉપયોગ કરે છે. હવે તેણે પોતાની ટોયોટા લેન્ડક્રૂઝરને અપગ્રેડ કરાવી છે. આશરે દોઢ કરોડ રૂપિયાની આ લેન્ડ ક્રૂઝરમાં 4461 સીસીનું એન્જિન છે અને આ એસયુવી ફક્ત એક જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, જે સંપૂર્ણપણ બુલેટપ્રૂફ છે. બારીની કિનારી પર પણ મોટી બોર્ડર જોવા મળે છે, જે દર્શાવે કે આ કાર સંપૂર્ણ રીતે આર્મર્ડ છે. આવી કાર ખાસ ડિમાન્ડ પર જ બનાવાતી હોય છે. મુંબઇ પોલીસે તેને સુરક્ષા માટે સાથે ગન રાખવાનું લાઇસન્સ પણ આપ્યું છે. એટલું જ નહીં, સલમાને કેટલાક સમયથી અનિવાર્ય ના હોય ત્યાં સુધી જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું છે. તાજેતરમાં ઈદ વખતે પણ તેણે બાન્દ્રાના પોતાના એપાર્ટમેન્ટની બહાર એકઠા થતાં શુભેચ્છકો સમક્ષ આવવાની વર્ષોજૂની પ્રથા તોડી હતી. અલબત્ત, ધમકી મળ્યા પછી સલમાન ખાન ડરી નથી ગયો અને પોતાના શિડયુલ મુજબ જ કામ કરી રહ્યો છે, પણ વિશેષ સાવચેતી જરૂર રાખી રહ્યો છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter