બહુ લાંબા સમયથી એક હિટ ફિલ્મ માટે તરસી ગયેલા સલમાન ખાનની ડૂબતી કેરિયરને બચાવવા માટે આખરે સૂરજ બડજાત્યા આગળ આવ્યા છે. તે સલમાનને ‘પ્રેમ કી શાદી’ ફિલ્મથી ફરી પ્રેમનાં રોલમાં રજુ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થવાની સંભાવના છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેવી બક્વાસ ફિલ્મ કરવા માટે સલમાન ખાન પર ભારે પસ્તાળ પડી હતી. તે પછી સલમાન સારા ડાયરેક્ટર અને સારી વાર્તાની શોધમાં હતો. તેની આગામી ફિલ્મ ‘ટાઈગર વર્સિસ પઠાણ’ છે પરંતુ તેમાં તેની સાથે શાહરુખ પણ હોવાથી તે ફિલ્મથી સલમાનની એકલાની કારકિર્દીને બહુ મોટો ફાયદો થવાની શક્યતા નથી. તાજેતરમાં જ અહેવાલ હતા કે સલમાને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મો નહીં કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય તેણે માત્ર સંબંધો સાચવવા ખાતર કોઈની ફિલ્મમાં કામ કરવા કે પોતાની ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યું છે. તેને પોતાના સ્ટારડમને ન્યાય આપી શકે તેવા ડાયરેક્ટર અને સ્ટારની જ શોધ હતી. આખરે સૂરજ બડજાત્યાએ ‘પ્રેમ કી શાદી’નું શૂટિંગ આવતા મહિને શરૂ કરવાનું નક્કી કર્યું છે. આમ તો સૂરજ પાસે આ સ્ક્રિપ્ટ લાંબા સમયથી તૈયાર હતી અને તેણે સલમાનને આ સ્ટોરી સંભળાવી પણ હતી. જોકે સલમાન પર ભાઈગીરીનું ભૂત સવાર થયું હોવાથી તેણે આ ફિલ્મ ટાળી હતી. જોકે, હવે તેને ખ્યાલ આવ્યો છે કે તેને ‘મૈને પ્યાર કિયા’થી સ્ટાર બનાવનાર અને ‘હમ આપ કે હૈં કૌન’ જેવી ઓલ ટાઈમ હિટ આપનાર સૂરજ બડજાત્યાની મદદ લીધા વિના છૂટકો નથી.