સલમાનના ઘર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી

Wednesday 17th April 2024 08:25 EDT
 
 

બોલિવૂડમાં ‘ભાઈજાન’ તરીકે ઓળખાતા કલાકાર સલમાન ખાનના મુંબઈના બાન્દ્રા ખાતેના ફલેટ પર રવિવારે વહેલી પરોઢે પાંચ રાઉન્ડ ગોળીબાર કરાયો હતો. બે બાઈકસવારોએ વહેલી પરોઢે આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં સલમાનના ફલેટની બાલ્કની તરફ તાકીને ધડાધડ ગોળીઓ છોડીને ફરાર થઈ ગયા હતા. આ ગોળીબારના થોડાક કલાકો બાદ જ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી અને સલમાનને ચેતવણી આપી હતી કે આ તો હજુ ટ્રેલર છે. ઉલ્લેખનીય છે કે સલમાનને અગાઉ પણ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી ચૂકી છે. આ બનાવને પગલે દોડતી થયેલી મુંબઈ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી 15 તપાસ ટીમો રચી શકમંદ હુમલાખોરોની તપાસ આદરી છે. સલમાન ખાને આ ઘટનાના બે દિવસ પહેલાં રમઝાન ઈદ પર્વે બાન્દ્રા સ્થિત તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની જે ગેલેરીમાં ઊભા રહીને હજારો ચાહકોને ઈદ મુબારક પાઠવ્યા હતા તે જ ગેલેરી પર હુમલાખોરોએ ગોળીઓ છોડી હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે, આ સમયના સીસીટીવી ફૂટેજ બહુ ઝાંખા હોવાથી બાઈકનો નંબર કેપ્ચર કરી શકાયો ન હતા. જોકે, બાદમાં પોલીસે અન્ય સીસીટીવી ફૂટેજ રીલિઝ કર્યાં હતાં જેમાં આ શકમંદ હુમલાખોરોના ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તેવા દેખાય છે. પોલીસે સલમાનના ઘર પાસેથી આ ગોળીબાર કરનારા હુમલાખોરો દ્વારા વપરાયેલી મનાતી એક બાઈક પણ કબજે કરી હતી. બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળ્યા બાદ સલમાન બુલેટ પ્રૂફ કારનો જ ઉપયોગ કરે છે.
સલમાનને સ્વરક્ષણ માટે ગન રાખવાની છૂટ છે. આ ઉપરાતં વાય પ્લસ કેટેગરીના કારણે તેની સાથે સતત પોલીસ કાફલો તૈનાત રહે છે. અગાઉ સલમાનના પિતા સલીમ ખાનને ધમકીનો પત્ર મળ્યા બાદ અને સલમાનની હત્યા માટે શૂટરને મોકલાયો હોવાના ઘટસ્ફોટ બાદ પોલીસે સલમાનના બહાર નીકળવાના પ્રસંગો પર વ્યાપક અંકુશો લાદી દીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter