અભિનેતા સલમાન ખાનની મુંબઇના બાન્દ્રામાં તેના ઘર પાસે હત્યા કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ પ્લાન બી તરીકે તેને પનવેલ ખાતેનાં ફાર્મ હાઉસમાં ઠાર કરવાનો પ્લાન રચાયો હતો. તેના માટે ત્રણ શૂટરોએ દોઢ મહિના સુધી ફાર્મ હાઉસ પાસે રોકાઈને રેકી કરી હતી. આ વાત બહાર આવી છે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પકડાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર કપિલ પંડિતની પૂછપરછમાં.
કપિલે કરેલી કબૂલાત અનુસાર સલમાન ખાનને મારવા માટે પોતે, સંતોષ જાધવ અને સતિશ બિશ્નોઈ પનવેલમાં સલમાનનાં ફાર્મ હાઉસ નજીક જ દોઢ મહિનો રોકાયા હતા. સલમાનના આવવા- જવાના સમય, કેટલી સિક્યુરિટી છે, કયાં વાહનમાં આવે જાય છે, કોણ પ્રતિકાર કરી શકે વગરે તમામ બાબતોની જાણકારી એકત્ર કરી હતી. આ પછી તેમણે ફાર્મ હાઉસની અંદર જ સલમાનને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારવાનો આદેશ તો આપ્યો હતો, પરંતુ અભિનેતા આસપાસ કડક સુરક્ષાને કારણે પ્લાન સફળ થયો નહોતો.
સલમાનનાં ફાર્મ હાઉસની ચુસ્ત સુરક્ષાને લીધે તેઓ ક્યારેય અંદર પ્રવેશી શક્યા ન હતા. તેમના રોકાણ વખતે સલમાન બે વખત ફાર્મ હાઉસમાં આવ્યો હતો, પરંતુ પર્સનલ બોડી ગાર્ડ શેરાની હાજરી તથા અન્ય સલામતી રક્ષકોની વ્યવસ્થાને લીધે તેઓ સલમાન નજીક પહોંચી શક્યા ન હતા. લોરેન્સ બિશ્નોઈએ અગાઉ કબૂલ્યા અનુસાર તેણે એક શૂટરને સલમાનને બાન્દ્રામાં તેના ઘર પાસે ઠાર મારવા મોકલ્યો હતો. જોકે આ શૂટર દૂરથી નિશાન લઈ શક્યો ન હતો. બિશ્નોઈએ દૂરથી સલમાન પર ગોળી છોડી શકાય તે માટે ચાર લાખ રૂપિયાની રાઈફલ પણ મગાવી હતી. જોકે તે રાઈફલ હેરફેર દરમિયાન જ પોલીસને હાથે ઝડપાઇ ગઈ હતી.