બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધુ ચુસ્ત કરાઇ છે. સલમાનને હવે વાય પ્લસ સુરક્ષા અપાઇ છે, આમ હવે શસ્ત્રસજ્જ સિક્યુરિટી ગાર્ડ 24 કલાક તેની સાથે રહેશે. મુંબઈ પોલીસ અને રાજ્ય સરકાર માટે સલમાન ખાનની સુરક્ષા અત્યંત ચિંતાનો વિષય બની છે. સલમાનને ધમકી બદલ દિલ્હી પોલીસ તરફથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી હતી. થોડા મહિના પૂર્વે અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રનો ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. સલમાનને મળેલો પત્ર હિન્દીમાં હતો. પત્રના અંતમાં જીબી અને એલબી લખેલું હતું. એનો અર્થ ગુંડા ગોલ્ડી બાર અને લોરેન્સ બિશ્નોઈ તરીકે કરાયો હતો. આ ટોળકીએ સલમાન ખાનના ઘર અને ફાર્મ હાઉસની રેકી કરી હતી. તેમણે ફાર્મ હાઉસમાં જ સલમાનની હત્યા કરવાનું કાવતરું ઘડયું હતું. પંજાબી ગાયક સિધુ મુસેવાલા હત્યા પ્રકરણમાં પકડાયેલા આરોપીએ પણ સલમાન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. આરોપીના નિવેદન અને તપાસ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીનો એક રિપોર્ટ પોલીસે રાજ્યના ગૃહ વિભાગને આપ્યો હતો. ત્યારબાદ સલમાનને શસ્ત્રની પરવાનગી આપવામાં આવી હતી.
સલમાનની સુરક્ષા વધારાયા બાદ બોલિવૂડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચનની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. મહારાષ્ટ્ર સરકારે તેમને એક્સ કેટેગરીની સુરક્ષા આપી છે. પહેલાં તેમને મુંબઈ પોલીસની સામાન્ય સુરક્ષા અપાતી હતી. એક્સ કેટેરગીમાં બે સુરક્ષા ગાર્ડ 24 કલાક હાજર રહે છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર તથા અનુપમ ખેરને પણ આ જ કેટેગરીની સુરક્ષા અપાઇ છે.