સલમાને નવી બુલેટપ્રૂફ એસયુવી ખરીદી

Friday 14th April 2023 07:03 EDT
 
 

છેલ્લા કેટલાય સમયથી ધમકીભર્યા ઈમેઈલ્સ મેળવી રહેલા એક્ટર સલમાન ખાને બુલેટ પ્રૂફ એસયુવી ઈમ્પોર્ટ કરી છે. આ કાર હજુ ભારતમાં લોન્ચ પણ થઈ નથી. કારની કિંમતનો આંકડો તો જાહેર થયો નથી, પણ યુએઇના માર્કેટમાં મળતી આ નિસાન પેટ્રોલ કાર વિશ્વની સૌથી મોંઘી કારમાંની એક ગણાય છે. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરની ઈવેન્ટમાં સલમાન આ નવી કાર લઈને આવ્યો હતો. સલમાન પાસે અગાઉ લેન્ડર ક્રૂઝર એલસી200 કાર હતી, અને તે પણ બુલેટપ્રૂફ જ હતી.  નિસાન પેટ્રોલ સૌથી સલામત કાર ગણાય છે. મિડલ ઇસ્ટ અને સાઉથ એશિયાની કેટલીય સેલિબ્રિટીઓ આ કાર ધરાવે છે. તે બી-સિક્સ અથવા તો બી-સેવન લેવલનું બુલેટપ્રૂફ કવચ ધરાવતી હોવાનું મનાય છે. બી-સિક્સ લેવલના કવચમાં 41મીમી જાડાઈ ધરાવતા કાચનું આવરણ હોય છે અને તે રાઈફલના શોટ્સને પણ ખાળી શકે છે. બીજી તરફ બી-સેવન લેવલમાં 78મીમીનું આવરણ હોય છે. સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી છે. આ સિવાય પણ તેને તાજેતરમાં જોધપુરના યુવક તરફથી ધમકીના ઈમેઈલ મળી છે. વારંવાર ધમકીઓ બાદ મુંબઈ પોલીસે સલમાનની સુરક્ષા વધારી છે. આ ઉપરાંત તેને અનિવાર્ય કારણો સિવાય જાહેરમાં દેખા નહિ દેવા પણ જણાવાયું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter