સાત પેઢી યાદ રાખે તેવા હાલ કરશુંઃ રણવીર અને રોહિત શેટ્ટી ફરી ધમકી

Saturday 21st February 2026 09:06 EST
 
 

લોરેન્સ બિશ્નોઇ ગેંગ બોલિવૂડ નિર્માતાઓ અને સ્ટાર્સ પાછળ હાથ ધોઇને પડી ગઇ હોય તેમ બિશ્નોઇ ગેંગના શાર્પ શૂટર હેરી બોક્સરે અભિનેતા રણવીર સિંહ અને નિર્માતા રોહિત શેટ્ટીને નિશાન બનાવતી નવી ઓડિયોક્લિપ બહાર પાડી છે. ગેંગસ્ટરે આવું રેકોર્ડિંગ ત્રીજી વાર જારી કર્યું છે જેમાં બોલિવૂડ દિગ્ગજોને ખુલ્લેઆમ ધમકી અપાઇ છે.

નવા ઓડિયો સંદેશમાં બોક્સરે પોતાને લોરેન્સ બિશ્નોઇ સિન્ડિકેટના સભ્ય તરીકે ઓળખાવી રણવીર સિંહ પર ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું છે કે અભિનેતા કથિત રીતે પોતાની વાતથી ફરી ગયો છે. બોક્સરે રણવીર સિંહને એવી ધમકી આપી હતી કે ‘આગામી સાત પેઢીઓ યાદ રાખશે તેવો પાઠ ભણાવશું’ આ સાથે જ વધુ ચિંતાજનક વાત એ છે કે ધમકી આપનારે રણવીર સિંહના સ્ટાફને પણ નુકસાન પહોંચાડવાની વાત કરી હતી.
બોક્સરે ઓડિયો ક્લિપમાં દાવો કર્યો છે કે તેની પાસે રણવીર સિંહના મેનેજરો અને કર્મચારીઓના પરિવારો તેમના ઓફિસના સમય અને તેમના રહેઠાણો વિશેની પણ વિગતવાર માહિતી છે. તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેંગનો હેતુ અભિનેતાને ‘પાઠ ભણાવતા’ પહેલા તેમના સ્ટાફને નિશાન બનાવવાનો છે, જે સૂચવે છે કે સ્ટાર્સની નજીકના લોકોને નુકસાન પહોંચાડવું એ તેમના સંકલ્પને તોડવા માટેની એક વ્યૂહાત્મક ચાલ છે.
ગેંગસ્ટરે નિર્માતા રોહિત શેટ્ટી અને સમગ્ર બોલિવૂડ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે ‘લાઇન પર આ જાવ, અગર નહીં આયે તો બાદ મેં દેખના ક્યાં કરતે હે હમ લોગ...’ આ સાથે જ બોક્સરે વધુ ધમકી આપતા પોલીસ સુરક્ષા મેળવવાના નિર્ણયની પણ મજાક ઉડાવતા કહ્યું હતું કે પોલીસને ધમકીઓની જાણ કરવાથી સિન્ડિકેટની પહોંચને અટકાવી શકાશે નહીં.
છેલ્લા થોડા સમયમાં બિશ્નોઇ ગેંગ દ્વારા આવી જ ધમકીઓ મળ્યા બાદ બોલિવૂડ હાઇ-એલર્ટ પર છે અને સુરક્ષા તપાસ એજન્સીઓએ આ ઓડિયો ક્લિપની વિશ્લેષણનું કામ હાથ ધર્યું છે. મુંબઇ પોલીસની ક્રાઇમબ્રાંચે આ પહેલા રોહિત શેટ્ટીની પૂછપરછ કરી હતી જેમાં તેણે તેને આવી ધમકી આ પહેલા ક્યારેય મળી ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે વોઇસ નોટને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી આ અવાજ સાચે જ હેરી બોક્સરનો જ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ મામલે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter