સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (‘સેબી’)એ એક આકરું પગલું ભરતાં બોલિવૂડ અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને 57 અન્ય સંસ્થાઓ પર ભારતીય સિક્યોરિટી બજારમાં કામ કરવા સામે પ્રતિબંધ ફરમાવીને દંડ લાદયો છે. આ તમામ સામે સાધના બ્રોડકાસ્ટના શેર ખરીદવા માટે રોકાણકારોને ભલામણ કરતા અને ગેરમાર્ગે દોરતા વીડિયો સંબંધિત કેસમાં 1થી 5 વર્ષ માટે સિક્યોરિટીઝ બજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ‘સેબી’એ અરશદ વારસી અને તેની પત્ની મારિયા પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ઝીંક્યો છે. ગયા ગુરુવારે ‘સેબી’ દ્વારા પસાર કરાયેલા આદેશ મુજબ, બજાર નિરીક્ષક દ્વારા આ દંપતીને 1 વર્ષ માટે સિક્યોરિટીઝ બજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે જ ‘સેબી’એ સાધના બ્રોડકાસ્ટ (હવે ક્રિસ્ટલ બિઝનેસ સિસ્ટમ લિમિટેડ)ના પ્રમોટર્સ સહિત 57 અન્ય સંસ્થાઓ પર રૂ. 5 લાખથી રૂ. 5 કરોડનો દંડ પણ લગાવ્યો છે.