સામંથા રૂથ પ્રભુએ આરોગ્ય જાળવવા માટે કામમાંથી બ્રેક લીધેલો છે. એક્ટ્રેસ પોતાની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાની સફર શરૂ કરી દીધી છે. તાજેતરમાં તે કોઇમ્બતૂર ખાતે આવેલા ઇશા યોગ સેન્ટરમાં છે. સામંથાએ શેર કરેલા ફોટોગ્રાફ્સમાં તે સદ્ગુરુ જસ્સીના માર્ગદર્શમાં અન્ય સાધકો સાથે ધ્યાન કરતી દેખાય છે. સામંથાએ કપાળ પર ચાંદલો કરેલો છે. ધ્યાન કેન્દ્રના વાતાવરણને દર્શાવવા માટે સામંથાએ નૃત્ય કરતા મોર અને મેઘધનુષ્યના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. સામંથાએ સાદો કુર્તો પહેરેલો છે અને ફૂલોના હારનો શણગાર કર્યો છે. સામંથાએ પોતાની આ યાત્રાને વર્ણવતા જણાવ્યું હતુંઃ થોડો સમય ધ્યાનમાં બેઠી હતી. વિચારોના પૂર ન હતા અને કોઇ વેદના પીડા ન હતી. આ લગભગ અશક્ય લાગે છે. પરંતુ ધ્યાન અવસ્થા એ મારા મનની શાંતિ અને ક્ષમતા વધારવાનો સૌથી વધુ શક્તિશાળી સ્ત્રોત છે. એક્ટિંગમાં બ્રેક લીધા બાદ સામંથાએ પોતાની રોડ ટ્રિપ શરૂ કરી હતી. શરૂઆતમાં તે વેલ્લોર ખાતે આવેલા સુવર્ણ મંદિરમાં ગઇ હતી અને ભગવાનના દર્શન કર્યા હતા. આ પછી મનને મકકમ અને સ્થિર બનાવવા માટે સામંથા ધ્યાન શિબિરમાં છે. હવે તેને સારવાર માટે યુએસએમાં જવાનું છે. સામંથાને માયોસાઇટિસ નામની બીમારી છે, જેનો ઇલાજ યુએસએમાં થશે. તન અને મનથી તંદુરસ્ત થયા બાદ કામ પર પાછા ફરવાની સામંથાની ઇચ્છા છે અને તેથી તેણે હાલ બ્રેક લીધો છે.