દિગ્ગજ અભિનેત્રી ૭૭ વર્ષીય સાયરાબાનોને શ્વાસની તકલીફ થતાં મુંબઇના ખારની હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે. આ દરમિયાન તબીબી નિષ્ણાતોએ તેમને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી, જોકે સાયરાએ ઇનકાર કર્યો હતો. સાયરાને એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ નામની બીમારીનું નિદાન થયું છે, જેની સારવારના ભાગરૂપે ડોકટર એન્જિયોગ્રાફી કરવા માંગે છે. જોકે સાયરાએ ડોકટરોને આમ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ડોકટરે જણાવ્યું હતું કે, સાયરાની મંજુરી વગર અમે આ તબીબી તપાસ કરી શકીએ નહીં. દિલીપસાહેબના નિધન પછી તેઓ ડિપ્રેશનના સપાટામાં આવ્યા છે. તેઓ પૂરતી ઊંઘ લેતાં નથી, તેમજ જલદી ઘરે જવાની વાત કરી રહ્યા છે. સાયારાને જલદી જ અમે આઇસીયુમાંથી બહાર લઇ આવશું. આ ઉપરાંત તેમને બ્લડપ્રેશરની પણ સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાયરાએ ૧૬ વરસની વયે જ અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં એ સમયના ટોચના અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.