સારા અલી વીતેલા સપ્તાહે ફરી એક વખત બાબા કેદારનાથના દર્શનાર્થે પહોંચી હતી. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજનઅર્ચન કરવા ઉપરાંત સારાએ ખળ-ખળ વહેતી મંદાકિની નદી અને શિખરોના સાનિધ્યમાં ધ્યાન પણ ધર્યું હતું. બાદમાં સારાએ સાધુઓ સાથે સત્સંગનો લાભ પણ લીધો હતો. ચહેરો ઢાંકીને સારા કેદારનાથના બજારોમાં પણ ફરી હતી. બાબા કેદારનાથના ધામમાં મેળવેલા આનંદને વ્યક્ત કરતાં સારાએ દરેકને ‘જય કેદારનાથ...’ પાઠવ્યા હતા.
સારા અલીના કેદારનાથ પ્રવાસ સાથે સાથે તેની અર્જુન પ્રતાપ બાજવા સાથેની રિલેશનશીપ મુદ્દે વાતો વહેતી થઈ છે. કારણ કે સારાની સાથે સાથે અર્જુન પણ કેદારનાથની યાત્રાએ પહોંચ્યો હતો. પ્રવાસ દરમિયાન અર્જુન પ્રતાપ બાજવા સારાની સાથેને સાથે જ રહ્યો હતો. બંનેએ કોઈ યુગલની જેમ જ દર્શન કર્યા હતા અને સાથે મળીને પૂજા પણ કરી હતી. કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી હતી કે સારા અનેક હીરોને ડેટ કરી ચૂકી છે. હવે તે અર્જુન સાથે સેટ થઈ જાય તો કશું ખોટું નથી. અર્જુન પ્રતાપ બાજવા પંજાબના એક રાજકીય નેતાના પરિવારમાંથી આવે છે અને તે મોડેલ તરીકે પણ સફળ છે. ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન અગાઉ સુશાંત સિંહ રાજપૂત, જ્હાન્વી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના ભાઈ વીર પહાડિયા તથા કાર્તિક આર્યનને પણ ડેટ કરી ચૂકી છે.