ઈન્ડિયન આઈડોલ સીઝન-3 જીતીને ઘરે ઘરે જાણીતા બની ગયેલા તેમજ તાજેતરમાં ‘પાતાલલોક-ટુ’માં વિલન તરીકે દેખાયેલા પ્રશાંત તમાંગનું રવિવારે ફક્ત 43 વર્ષની વયે દિલ્હીમાં તેના નિવાસસ્થાને આકસ્મિક નિધન થયું છે. કાર્ડિયાક એરેસ્ટથી તેનું નિધન થયું હોવાનું કહેવાય છે. દાર્જિલિંગનો વતની સવારે નિવાસસ્થાને હતો ત્યારે અચાનક બેભાન થઇ ગયો હતો. તેને તરત જ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેનું નિધન થયાનું જણાવ્યું હતું. પ્રશાંતનાં અચાનક નિધનથી તેના ચાહકોમાં ભારે શોકની લાગણી છવાઈ છે. તેના પરિવારમાં પત્ની તથા નાની દીકરીનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર અનેક ચાહકોએ શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે જ મનોરંજન જગતમાં વધુ એક કલાકારનું નાની વયે નિધન થવા અંગે આઘાત પણ વ્યક્ત કર્યો હતો. દેશમાં હાલ યુવાનોમાં અચાનક કાર્ડિયાક એરેસ્ટથી થઈ રહેલાં નિધન અંગે પણ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.
સિંગર મહેશ સેવાએ કહ્યું કે પ્રશાંત તમાંગને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ઇન્ડિયન આઇડલ સીઝન-3 રિયાલિટી શોમાં આવતાં પહેલાં તે કોલકતામાં પોલીસ કરજ બજાવતો હતો. પોલીસ ઓરકેસ્ટ્રામાં તે ફરજ બજાવતો હતો અને પોલીસના કાર્યક્રમોમાં તે ગાતો રહેતો હતો. તેની ગાયકી જોઇને સીનિયર્સે ઇન્ડિયન આઈડલમાં ભાગ લેવા સલાહ આપી હતી. ઇન્ડિયન આઈડલમાં વિજેતા રહ્યા પછી સોની ચેનલ સાથે તેનું પ્રથમ આલ્બમ રિલીઝ થયું હતું. તે આલ્બમમાં હિંદી અને નેપાશી ગીતો હતા. તે પછી તેણે નેપાળી ફિલ્મોમાં ગાયક અને અભિનેતા તરીકે કામ કર્યું હતું. જયદીપ અહલાવત સ્ટારર સીરીઝ પાતાલ લોક-2માં પણ તે જોવા મળ્યા હતા. જેમાં તેણે વિલન ડેનિયલ લેચોની ભૂમિકા નિભાવી હતી. સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ધી બેટલ ઓફ ગલવાન’ માટે તેણે તાજેતરમાં જ શૂટિંગ પૂર્ણ કર્યું હતું.


