સિંગર-રાઇટર-પ્રોડ્યુસર પામેલા ચોપરાનું નિધન

Thursday 27th April 2023 12:45 EDT
 
 

ભારતીય સિનેજગતના દિગ્ગજ ડાયરેક્ટર યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા પરંતુ તબિયમાં કોઈ સુધારો નહોતો. તેમનું ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ છે. આદિત્ય અને ઉદય ચોપરાના માતા અને રાની મુખર્જીના સાસુ પામેલા ચોપરાએ 1970માં યશ ચોપરા સાથે એરેન્જ મેરેજ કર્યાં હતાં. યશ ચોપરાના તેઓ બીજા પત્ની હતા. તેમને બે પુત્રો છે - આદિત્ય અને ઉદય ચોપરા. નોંધનીય છે કે યશ ચોપરાનું 11 વર્ષ પહેલાં નિધન થયું છે.
પામેલા ચોપરા બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ એક પ્લેબેક સિંગર હતાં. તો તેઓ ફિલ્મ રાઇટર અને પ્રોડ્યુસર પણ રહી ચૂક્યાં છે. સિનેમાની દુનિયામાં પામેલા ચોપરાનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. યશ ચોપરાની અનેક ફિલ્મોમાં તેમનું સંગીતક્ષેત્રે પણ સક્રિય યોગદાન રહ્યું છે. પામેલાએ ઘણી ફિલ્મોમાં ગીત પણ ગાયાં છે, જોકે તેમણે આ બધાં ગીત તેમના પતિની ફિલ્મોમાં જ ગાયાં છે. તેમણે જે ફિલ્મોમાં ગીતો ગાયા છે તેમાં ‘કભી-કભી’, ‘નૂરી’, ‘ચાંદની’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘મુઝસે દોસ્તી કરોગી’ જેવી જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1993માં આવેલી ફિલ્મ ‘આઇના’ને પામેલાએ પ્રોડ્યુસ કરી હતી. પામેલાએ તેમના પતિ યશ, પુત્ર આદિત્ય અને પ્રોફેશનલ રાઇટર તનુજા ચંદ્રાની સાથે 1997ની હિટ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ની સ્ક્રિપ્ટ પણ લખી હતી.
પામેલા ચોપરા છેલ્લે યશરાજ ફિલ્મની ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સી’માં જોવા મળ્યા હતા. આ ડોક્યુમેન્ટ્રીમાં તેમણે તેમના પતિ યશ ચોપરા અને તેમની ફિલ્મી સફર વિશે વાત કરી હતી. ‘ધ રોમેન્ટિક્સી’ હિન્દી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીમાં માત્ર યશ ચોપરાના યોગદાન પર જ નહીં, પરંતુ પામેલાના યોગદાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શોમાં પામેલાએ એ દિવસોને યાદ કર્યા હતા, જ્યારે નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘દાગ’ 1973માં રિલીઝ થઇ તે પૂર્વે ડાયરેક્ટરે ઘણી મુશ્કેલ રાતો વિતાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter