દેશવિદેશમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં બીજી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થઈ, અને રાવણદહન થયું. આ સમયે સિમી ગરેવાલે કરેલી એક ટ્વિટ ખૂબ વાઇરલ થઈ રહી છે. દશેરાના દિવસે સામાન્યપણે રાવણનું પૂતળુ બાળીને દૂષણ પર સારપના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે તેવામાં સિમી ગરેવાલે એક નવો જ દૃષ્ટિકોણ પેશ કર્યો છે. સિમીએ પોતાની ટ્વિટમાં રાવણને જરાક અટકચાળા કરનારો કહ્યો છે. સિમી રાવણ વિશે પરંપરાગત વિચારોથી જરાક અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. અને આ જ વાત તેણે રાવણને ખુલ્લા પત્ર તરીકે સોશિયલ મીડિયામાં લખી છે.ઃ ‘ડિયર રાવણ, તેં બસ જરા ઉતાવળે એક મહિલાનું અપહરણ કર્યું હતું, પરંતુ તે મહિલાને પણ સન્માન આપ્યું. એટલું સન્માન આજના જમાનામાં લોકો મહિલાને નથી આપતા. તેં એ મહિલાને સારું ભોજન આપ્યું અને મહિલા સુરક્ષા ગાર્ડ પણ આપ્યા. અને તેં તેની સામે લગ્ન માટે દરખાસ્ત મૂકી, પરંતુ તેણે ના કહેતાં તે એ મહિલા પર તેજાબ ના ફેંક્યો.’ સિમીનો આ પત્ર બહુ ચર્ચાસ્પદ બન્યો છે.