ટોચના બિઝનેસમેન્સ પાસેથી કરોડો રૂપિયાની એક્સટોર્શન મની પડાવવાના આરોપમાં હાલ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથેના પ્રેમસંબંધ અને તેની પાસેથી આર્થિક લાભો મેળવવાના આરોપનો સામનો કરી રહેલી જેકલીન ફર્નાન્ડિઝનો કોર્ટે પાસપોર્ટ જપ્ત કર્યો છે. આ કેસમાં જેકલીનનો દાવો છે તે નિર્દોષ છે. બીજી તરફ, મંડોલી જેલમાં કેદ સુકેશે પોતાના જન્મદિવસ પર જેકલીન ફર્નાન્ડિઝને એક પ્રેમપત્ર લખ્યો છે. ‘માય બેબી જેકલીન’ના સંબોધન સાથેના આ પત્રમાં તેણે જેકલીન પ્રત્યેના પોતાના પ્રેમને ઊજાગર કર્યો છે અને જણાવ્યું છે કે તે પોતાની આસપાસ તેની એનર્જીને મહેસૂસ કરે છે. નોંધનીય છે કે જેકલીન સુકેશ સાથે સંકળાયેલાં કરોડો રૂપિયાની વસૂલાતના કેસમાં એક કરતાં વધુ વખત પૂછપરછ થઇ ચૂકી છે. સુકેશે આ પત્રમાં લખ્યું છે કે મારી બોમ્મા, હું મારા જન્મદિવસ પર તને ખૂબ જ યાદ કરું છું. મને તારી ઊર્જા મારી ચારેતરફ યાદ આવે છે. મારી પાસે કોઈ શબ્દ નથી પણ મને ખ્યાલ છે કે મારા માટેનો તારો પ્રેમ ક્યારેય ખતમ થતો નથી. મને ખ્યાલ છે કે તારા સુંદર દિલમાં શું છે? મને પુરાવાની કોઈ જરૂર નથી અને તે જ મારા માટે મહત્ત્વ ધરાવે છે, બેબી. સુકેશે પત્રમાં આગળ પોતાના પ્રેમને સૌથી મોટી ભેટ ગણાવ્યો હતો અને અને તેને પોતાના જીવન માટે અનમોલ ગણાવ્યો હતો. તે લખે છે કે તું જાણે છે કે હું અહી તારા માટે ઊભો છું.