સુધા ચંદ્રનની વડા પ્રધાનને ફરિયાદઃ અમારી આ હાલાકી દૂર કરો...

Friday 29th October 2021 06:01 EDT
 
 

ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો છે. આ વીડિયોમાં વીડિયોમાં તેમણે ચંદ્રને અપીલ કરી છે કે સરકારે કૃત્રિમ અંગો ધરાવતા દિવ્યાંગો માટે સરકારે ખાસ કાર્ડ બહાર પાડવું જોઇએ, જેથી પોતાના જેવા લોકોને એરપોર્ટ સહિતના જાહેર સ્થળોએ સિક્યુરિટી ચેકના મામલે હેરાન થવું પડે નહીં. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે એરપોર્ટ પર દર વખતે ચેક ઇન અને ચેક આઉટ કરતી વખતે તેમને કૃત્રિમ પગને વારંવાર કાઢવાનું કહેવામાં આવે છે, જેથી તેમને મુશ્કેલી થાય છે. આ વખતે પણ તેમને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. આ પછી તેમણે આ વીડિયો અપલોડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુધા ચંદ્રને ૧૬ વર્ષની ઉંમરે જ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો છે, ત્યારથી તેઓ પ્રોસ્થેટિક જયપુર ફૂટ પહેરે છે.
એરપોર્ટ પર જ શૂટ કરેલા વીડિયોમાં આ ૫૬ વર્ષીય અભિનેત્રીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. સુધા ચંદ્રને વડા પ્રધાનને કહ્યું હતું કે જેમ સિનિયર સિટિઝન્સને કાર્ડ અપાય છે તેમ કૃત્રિમ પગ કે હાથવાળા નાગરિકોને પણ કાર્ડ આપવું જોઇએ. ચંદ્રનના આ વીડિયો બાદ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકીંગની જવાબદારી સંભાળતા સીઆઇએસએફ દ્વારા માફી માગવામાં આવી છે અને ચંદ્રનને ભવિષ્યમાં આવી કોઇ તકલીફ નહીં થાય તેનું આશ્વાસન અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter