પ્રખ્યાત અભિનેતા દેવ આનંદ અને અભિનેત્રી કલ્પના કાર્તિકના પુત્ર, અભિનેતા-ફિલ્મમેકર સુનીલ આનંદ હવે રહ્યા નથી. લંડનમાં હાર્ટ એટેકથી તેમનું નિધન થયું છે. પરિવારના એક સૂત્રએ 28 જુલાઇએ આ માહિતી આપી હતી. લંડનની જે હોસ્પિટલમાં સુનીલ આનંદે અંતિમ શ્વાસ લીધા એ જ હોસ્પિટલમાં 2011માં દેવ આનંદે અંતિમ શ્વાસ લીધા હતા. સુનીલ આનંદ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યા બાદ અભિનયની દુનિયામાં આવ્યા હતા.
સુનીલ આનંદનો જન્મ 30 જૂન 1956ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જ્યુરિચ શહેરમાં થયો હતો. તેમણે અમેરિકન યુનિવર્સિટી - વોશિંગ્ટન ડીસીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી હતી. આગળ જતાં હોંગકોંગમાં માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હતી. બાદમાં તેમણે પિતા દેવ આનંદ પાસેથી પ્રેરણા લઈને ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પહેલા અભિનેતા બન્યા અને તે પછી દિગ્દર્શક તરીકે કેટલીક ફિલ્મો બનાવી હતી. સાથે જ તેઓ નવકેતન ફિલ્મ્સનું પણ સંચાલન કરતા હતા. સુનીલ આનંદે પોતાની કારકિર્દીની શરૂઆત એક અભિનેતા તરીકે ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી કરી હતી.


