સુપરડુપર હિટ ફિલ્મોના સંગીતકાર રામલક્ષ્મણનું નિધન

Thursday 27th May 2021 09:46 EDT
 
 

સલમાન ખાન-ભાગ્યશ્રીની સુપરડુપર હિટ ફિલ્મ મૈને પ્યાર કિયાના સંગીતકાર રામલક્ષ્મણનું નિધન થયું છે. આ યાદગાર ફિલ્મનુ સંગીત પણ એટલું જ લોકપ્રિય થયું હતું. આજે પણ તેના ગીતો  લોકો સાંભળે છે. તેમણે નાગપુરમાં ૭૯ વર્ષની વયે આખરી શ્વાસ લીધા હતા. તેમણે મૈને પ્યાર કિયા ઉપરાંત હમ આપ કે હૈ કોન... અને હમ સાથ સાથ હૈ... જેવી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું અને તેના ગીતો પણ સંગીતપ્રેમીઓની દિલે વસ્યા છે. રામલક્ષ્મણનું મૂળ નામ વિજય પાટિલ હતું. તેમણે પોતાના સાથી સુરેન્દ્ર સાથે ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યુ હતુ. જોકે સુરેન્દ્રનું બહુ પહેલાં અવસાન થયું હતું, જેના પગલે આ જોડી તુટી ગઈ હતી. જોકે વિજય પાટિલે એ પછી મિત્રની યાદને ચિરંજીવ બનાવવા માટે પોતાનું નામ બદલીને રામલક્ષ્મણ કરી દીધું હતું. આ જ નામથી તેઓ બોલીવૂડમાં જાણીતા બન્યા હતા. તેમણે ક્યારેય પોતાના મિત્રનું નામ પોતાની આગળથી હટાવ્યુ નહોતું. તેમણે મરાઠી અને ભોજપુરી ફિલ્મો માટે પણ સંગીત આપ્યુ હતુ. જાણીતા ફિલ્મમેકર સૂરજ બરજાત્યા માટે તેઓ સંગીતકાર તરીકે હંમેશા પહેલી પસંદ રહ્યા હતા. ૧૯૮૮માં મૈને પ્યાર કિયા... ફિલ્મના ગીતે અભૂતપૂર્વ ક્રેઝ ઉભો કર્યો હતો. ત્યાર પછી બરજાત્યાની બીજી બે સુપરહિટ ફિલ્મો હમ આપ કે હૈ કોન અને હમ સાથ સાથ હૈ...માં પણ તેમનુ સંગીત હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter