સુશાંત આત્મહત્યા કેસમાં આદિત્ય ચોપરાની ત્રણ કલાક સુધી પૂછપરછ

Saturday 25th July 2020 08:33 EDT
 
 

સુશાંતસિંહ રાજપૂત (ઉં. ૩૪) આત્મહત્યા કેસમાં યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ ૨૫મી જુલાઈએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે ૩ કલાકથી વધુ સમય સુધી તેમનું નિવેદન નોંધ્યું હતું. આ કેસમાં હમણાં સુધીમાં આદિત્ય ચોપરા સહિત ૩૭ જણાનાં નિવેદન પોલીસે નોંધ્યા છે. ૧૪ જૂને સુશાંતે તેના બાંદરા પશ્ચિમમાં માઉન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટમાં ભાડાના ડુપ્લેક્સમાં આત્મહત્યા કરી હતી. તેને આત્મહત્યા માટે દષ્પ્રેરિત કરાયો હતો કે કેમ તેની પોલીસ શોધ કરે છે. યશરાજ ફિલ્મ્સે સુશાંત સાથે ત્રણ ફિલ્મોના કરાર કર્યા હતા. પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’ હતી. બીજી ફિલ્મ ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’ હતી અને ત્રીજી ફિલ્મ ‘પાની’ હતી જેનું દિગ્દર્શન શેખર કપૂર કરવાના હતા. અગાઉ ફિલ્મકાર સંજય લીલા ભણસાલીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે સુશાંતને ‘રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ની ઓફર કરી હતી, પરંતુ વાયઆરએફ સાથે કરાર હોવાથી તારીખોનો સુમેળ સધાતો ન હોવાથી સુશાંતે આ ફિલ્મો નકારી કાઢી હતી.
શેખર અને આદિત્ય વચ્ચે મતભેદ હતા
શેખર કપૂર અને આદિત્ય ચોપરા વચ્ચેના સ્પર્ધાત્મક મતભેદોને કારણે ‘પાની’ પડતી મુકાઈ હતી. ‘પાની’ ફિલ્મમાં વિશિષ્ટ ભૂમિકા માટે સુશાંતે ઘણી બધી તૈયારીઓ કરી હતી. ફિલ્મ માટે તે બહુ ઉત્સાહિત હતો, પરંતુ બે દિગજ્જેની લડાઈમાં તેને ‘પાની’ ફિલ્મ છોડી દેવી પડતાં તે નાસીપાસ થઇ ગયો હતો. સુશાંતની આત્મહત્યાની તપાસ કરી રહેલી બાંદરા પોલીસ માટે આદિત્યનું નિવેદન તેથી જ નિર્ણાયક માનવામાં આવે છે.
સુશાંત કેસમાં કંગનાને નિવેદન આપવા સમન્સ
સુશાંતસિંહની આત્મહત્યા પછી અભિનેત્રી કંગના રણૌતે નેપોટિઝમ મામલે અને સુશાંતની આત્મહત્યાની તપાસ થવી જોઈએ એ મામલે સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો હતો. આ સંદર્ભે પૂછપરછ માટે તાજેતરમાં પોલીસ કંગનાના મુંબઈના ખાર નિવાસે સમન્સ લઈને પહોંચી હતી. પોલીસે કંગનાને ૨૭થી ૩૧ જુલાઈ વચ્ચે બાંદરા પોલીસમથકે આવીને નિવેદન નોંધાવવા કહ્યું હતું, પણ કંગનાએ જણાવ્યું કે તે માર્ચ મહિનાથી પોતાના વતન મનાલીમાં છે. કોરોનાના લીધે મુંબઈ આવીને નિવેદન નોંધાવી શકે તેમ નથી. કોઈ અધિકારી મનાલી આવીને નિવેદન નોંધી લે. કંગનાના વકીલ દ્વારા પોલીસને એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે, હાલમાં કંગના ટ્રાવેલ કરી શકે તેમ નથી. જો કોઈ અધિકારી મનાલી આવીને તેનું નિવેદન નોંધી જાય તો કંગના તેના માટે તૈયાર છે. તેઓ જે પણ સવાલ પૂછે તેના જવાબ આપવા માટે પણ કંગના તૈયાર છે. કંગનાએ વીડિયોકોલ દ્વારા પણ સવાલ-જવાબ માટે તૈયારી બતાવી હતી. પોલીસ આગામી સમયમાં ક્યો રસ્તો પસંદ કરે છે તે જોવું રહ્યું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter