સુશાંતની હત્યા જ થઈ હતીઃ હોસ્પિટલના કર્મચારીનો દાવો

Tuesday 03rd January 2023 06:54 EST
 
 

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા ન હતી કરી, પરંતુ તેની હત્યા જ થઈ હતી તેવો દાવો તેના પોસ્ટમોર્ટમ વખતે પોતે કૂપર હોસ્પિટલની મોર્ચરીના કર્મચારી તરીકે હાજર હોવાનો દાવો કરનારા એક વ્યક્તિએ કર્યો છે. તેના જણાવ્યા અનુસાર સુશાંતના શરીર પર ઈજાનાં અનેક નિશાન હતાં. જોકે, તે વખતે હોસ્પિટલના સિનિયર્સને સમગ્ર પોસ્ટમોર્ટમ બહુ ઉતાવળે આટોપી લેવા જણાવાયું હતું. મહારાષ્ટ્ર સરકારે હજુ ગયા સપ્તાહે જ સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિઆન કેસને રિઓપન કરી તેની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની જાહેરાત કરી છે. આ સમયે જ એક વ્યક્તિએ મીડિયા સમક્ષ નાટયાત્મક રીતે ઉપસ્થિત થઈ આ દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે.
રુપકુમાર શાહ નામની વ્યક્તિએ એક ખાનગી ચેનલ સમક્ષ દાવો કર્યો હતો કે સુશાંતનું મોત થયું ત્યારે પોતે કૂપર હોસ્પિટલમાં મોર્ચરીમાં જ ફરજ પર હતો. તે દિવસે પાંચ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. તેમાંથી એક વીવીઆઈપી વ્યક્તિનો મૃતદેહ હોવાનું કહેવાયું હતું. મેં જોયું તો એ સુશાંત સિંહની જ ડેડબોડી હતી. રુપકુમારના દાવા અનુસાર સુશાંતના શરીર પર મારપીટના અને ગળા પર ઈજાના નિશાન હતા. આ ઉપરાંત મારઝૂડથી તેના હાથ-પગ તૂટી ગયા હોય એમ લાગતું હતું. એનું વીડિયો શૂટિંગ કરવાની જરૂર હોવાનું અમે કહી રહ્યા હતા. પરંતુ અધિકારીઓએ અમને ફટાફટ ફોટો જ લઈ લેવા જણાવ્યું હતું. અમે અમારા વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું કે આ પહેલી નજરે હત્યાનો જ બનાવ જણાય છે. પરંતુ વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ સોંપી દેવાનો છે. રુપકુમારનું કહેવું હતું કે ગળાફાંસો ખાધેલા અને હત્યા કરાયેલા મૃતદેહમાં મોટો તફાવત હોય છે. તેના ગળા પરની ઈજા હત્યા જેવી લાગતી હતી, શરીર પર ઉઝરડા હતા. આવા નિશાન આત્મહત્યા કરનાર વ્યક્તિના શરીર પર હોતા નથી.

ઉલ્લેખનીય છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહનો મૃતદેહ 14 જૂન 2020ના રોજ બાંદરાસ્થિત તેના નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. એક થિયરી મુજબ બોલીવૂડમાં કારકિર્દી ધાર્યા મુજબ નહીં જામી રહી હોવાથી ડિપ્રેશનમાં રહેલા સુશાંતે આત્મહત્યા કરી હતી. જોકે, સુશાંતની આત્મહત્યા નહીં પણ હત્યા છે તેવી અનેક થિયરીઓ ત્યારથી વહેતી થતી રહી છે. આ કેસમાં મુંબઈ પોલીસ ઉપરાંત સીબીઆઈ પણ તપાસ કરી ચુકી છે. સુશાંતના ખાતાંમાંથી થયેલા વ્યવહારો અંગે તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરાઈ હતી અને ઈડીઈ તેની સામે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, રિયા તે પછી જામીન પર છૂટી ચુકી છે. રિયાના ચેટિંગના આધારે જ આ કેસમાં ડ્રગ્સ કેસનો ખુલાસો થયો હતો અને તેને આધારે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર સહિત બોલીવૂડની કેટલીય હિરોઈનો તથા અન્ય કલાકારોની એનસીબી દ્વારા પૂછપરછ થઈ હતી. જોકે, ડ્રગ કેસમાં રિયાનો ભાઈ સુશાંતને ડ્રગ લાવીને આપતો હતો તે ઘટસ્ફોટને બાદ કરતાં બીજી કોઈ મોટી સફળતા મળી ન હતી. મુંબઈ પોલીસ તથા સીબીઆઈ બંનેએ આત્મહત્યા ગણાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter