‘કિંગ ખાન’ની દીકરી સુહાના તેના કહેવાતા બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનની દીકરીનો દીકરો)એ અમેરિકાના ન્યૂ યોર્કમાં MVM નામની એન્ટરટેઈનમેન્ટ કંપનીની એક પાર્ટીમાં સાથે હાજરી આપી હતી. જોકે, સુહાના કે અગસ્ત્યમાંથી તો કોઈએ ફોટો શેર કર્યા નથી પરંતુ તેમના કોમન ફ્રેન્ડ અને કંપનીના ફાઉન્ડર વેદાંત મહાજને સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાંથી એક ફોટોમાં સુહાના કેનેડિયન રેપર ટેશર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર વેદાંતે શેર કરેલા કેટલાક ફોટોમાં અગસ્ત્ય નંદા વેદાંત અને બિઝનેસમેન નિખિલ કામથ સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. અગસ્ત્ય બ્લેક ટી-શર્ટ અને જેકેટ તથા કેપ પહેરેલો જોવા મળે છે. તો અન્ય એક ફોટોમાં સુહાના પણ જોવા મળી રહી છે. સુહાનાએ વેદાંત અને કેનેડિયન રેપર ટેશર સાથે ફોટો પડાવ્યો હતો.
આ વાઇરલ ફોટો પર સોશિયલ મીડિયામાં યૂઝર્સ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ‘સુહાના અને અગસ્ત્યનો સાથે કેમ કોઈ ફોટો નથી?’ જયારે અન્ય એક યૂઝરે લખ્યું ‘સુહાના અને અગસ્ત્યના વધુ ફોટો શેર કરો, તેઓ સાથે સારા લાગે છે.’ બીજા એક યૂઝરે લખ્યું ‘અગસ્ત્ય અને સુહાના ન્યૂ યોર્કમાં એક સાથે! વાહ..!’ સુહાના ખાન અને અગસ્ત્ય છેલ્લા કેટલાક વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. બંનેએ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી ખુશી કપૂર, વેદાંગ રૈના, યુવરાજ મેડા, મિહિર આહુજાએ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 2023માં રિલીઝ થઈ હતી.