સૈયામી ખેરે પોતાની ફિટનેસ સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ગોલ્ડ કોસ્ટ મેરેથોન સફળતાપૂર્વક પુરી કરી છે. વિશ્વભરમાં જાણીતી આ મેરેથોનમાં પ્રથમ વખત ભાગ લેનાર સૈયામીએ આ અનુભવને પોતાના જીવનની સૌથી યાદગાર દોડમાંથી એક ગણાવ્યો છે. અભિનયની સાથે એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સ પ્રત્યેનાં પોતાનાં જુસ્સા માટે જાણીતી સૈયામી અગાઉ બે વખત આયર્નમેન 70.3 ટ્રાયેથ્લોન પૂર્ણ કરી ચૂકી છે. લાંબા અંતરની દોડ, સાઇકલિંગ અને સ્વિમિંગ તેનાં જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. મેરેથોન પુરી કર્યાં બાદ સૈયામીએ જણાવ્યું, ‘આ મેં દોડેલી સૌથી સુંદર રેસમાંની એક છે. સમગ્ર દોડ દરમિયાન હું સુર્યોદય અને સ્વચ્છ વાદળી સમુદ્રના અદ્ભુત દૃશ્યોનો આનંદ માણતી રહી. ક્વીન્સલેન્ડ ટુરિઝમના આમંત્રણથી મને આ શાનદાર મેરેથોનમાં ભાગ લેવાની તક મળી, જેના માટે હું તેમની ખૂબ આભારી છું.’ તેણે ઉમેર્યું કે તે જ્યારે પણ કોઈ નવા શહેર કે દેશમાં જાય છે ત્યારે ત્યાં મેરેથોન અથવા હાફ મેરેથોનમાં ભાગ લેવાનો પ્રયાસ કરે છે.
‘મારા માટે કોઈ શહેરને નજીકથી ઓળખવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો દોડ છે. ગોલ્ડ કોસ્ટ મેરેથોન મારા માટે એક સપનું સાકાર થવા જેવો અનુભવ રહ્યો. અહીંનું હવામાન એકદમ અનુકૂળ હતું અને દોડનો રૂટ અદ્ભુત કુદરતી સૌંદર્યથી ભરેલો હતો. સમગ્ર શહેરમાં ફિટનેસ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો અને તમામ દોડવીરોનો જોશ પ્રેરણાદાયક હતો.‘ સૈયામીએ જણાવ્યું કે મેરેથોન પહેલાંના દસ દિવસ તેણે ક્વીન્સલેન્ડમાં વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.
‘મેં ડાઇવિંગ, સર્ફિંગ, સ્નોર્કેલિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી અનેક સાહસિક પ્રવૃત્તિઓ કરી અને ત્યારબાદ આ સુંદર મેરેથોન સાથે મારી યાત્રાનો અંત આવ્યો.’


