સૈયામીની સિદ્ધિઃ બીજી વખત આયર્નમેન ટ્રાયથ્લોન રેસ પૂરી કરી

Saturday 19th July 2025 10:25 EDT
 
 

એક્ટ્રેસ અને સ્પોર્ટ્સમાં ઊંડો રસ ધરાવતી સૈયામી ખેરે એક વર્ષમાં બીજી વખત આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન રેસ સફળતાપૂર્વક પૂરી કરી છે. આ રેસ છઠ્ઠી જુલાઈએ સ્વીડનના યોનકોપિંગ ખાતે યોજાઈ હતી. આ સિદ્ધિ સાથે સૈયામી એવી પહેલી એક્ટ્રેસ બની ગઈ છે, જેણે એક વર્ષની અંદર બીજી વખત આ રેસ પૂરી કરી છે. આ એક એવી પડકારજનક અને અઘરી રેસ છે, જેમાં 1.9 કિમી તરવાનું હોય છે, 90 કિમી સાઇકલ ચલાવવાની હોય છે અને 21.1 કિમી હાફ મેરેથોન દોડવાની હોય છે. આ બધું જ ખેલાડીઓએ એક જ દિવસમાં પૂરું કરવાનું હોય છે. સૈયામીએ પોતાની પહેલી રેસ સપ્ટેમ્બર 2024માં પૂરી કરી હતી, જે વખતે તેણે પહેલી વખત આ રેસમાં ભાગ લીધો હતો. હવે તેણે બીજી વખત સ્વીડનમાં ભાગ લીધો ત્યારે તે પહેલાં કરતાં પણ વધુ પડકારજનક રેસ હતી કારણ કે આમાં ઠંડુ પાણી, સીધું ચઢાણ અને ભારે પવન જેવા પડકાર પણ સામેલ હતા. સૈયામીએ આ પડકારજનક રેસ અગાઉ કરતાં 32 મિનિટ વહેલી પૂરી કરી દીધી હતી.
સૈયામીએ સફળતા અંગે પોસ્ટ કરતાં કહ્યું, ‘લોકો મને ઘણી વખત પુછે છે કે હું મારી જાતને આવો ત્રાસ કેમ આપું છું. હકીકત એવી છે કે આવું કરીને હું દુનિયા સામે કંઈ જ સાબિત કરવા માગતી નથી. મને ક્યારેય બહારના લોકોનાં પ્રમાણની જરૂર પડી નથી. મારા માટે રમતગમતમાં જોડાવું એ અતિ અંગત બાબત છે – આ મારી પોતાની શંકાઓ સામેની રેસ છે. આ વર્ષે મારું લક્ષ્ય ગયા વર્ષ કરતાં સારું બનવાનું હતું. મેં બસ એવું જ કર્યું.’
સૈયામીએ આગળ લખ્યું, ‘એક સ્ત્રી તરીકે, ખાસ તો પિરીયડ્ઝની પીડા સાથે આ પ્રકારના શારીરિક પડકારોનો સામનો કરવો એ ઘણી વધુ પીડાદાયક બાબત હોય છે, પરંતુ એ ફરી યાદ અપાવે છે કે મુદ્દાઓ કરતાં મનની શક્તિ મહત્ત્વની હોય છે. તેમાં એક વિચિત્ર, શાંત ગૌરવ સમાયેલું હોય છે, આવું કશુંક અશક્ય લાગતું કામ તમે પૂરું કર્યું. એક ઊંડો આનંદ.’
સૈયામીએ આ પહેલાં પણ તેની જીવનમાં ખેલકૂદના મહત્વ વિશે વાત કરી છે, જે તમારા પડકારો માટેના વિચારો અને વલણ પર અસર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter