સોનુ સૂદ હવે દુબઇમાં ફસાયેલા ભારતીયોની વહારે

Thursday 12th March 2026 08:57 EDT
 
 

સોનુ સૂદ હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવા તત્પર રહે છે. તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં મુશ્કેલીમાં મૂકાયેલા રાજપાલ યાદવની મદદની પહેલ કરનારામાં સોનુ સૂદ પ્રથમ અભિનેતા હતા. તેમણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. હવે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે સોનુ સૂદે ફરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું છે.

સોનુ સૂદે ગુરુવારે જાહેરાત કરી છે કે દુબઈમાં ફસાયેલા લોકો માટે તેઓ ફ્રીમાં રહેવાની સગવડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેમણે કહ્યું કે, ‘જે લોકો સંકટના કારણે દુબઈમાં ફસાઈ ગયા છે અને રહેવાની વ્યવસ્થા નથી, તે લોકો મારો સંપર્ક કરે.’ તેઓ દુબઈમાં ફસાઈ ગયેલાઓને ભરોસો અપાવી રહ્યા છે કે રહેવાની તદ્દન ફ્રી વ્યવસ્થા મળશે.

સોનુ સૂદે કહ્યું કે ભારતીય હોય કે બીજા દેશના નાગરિક હોય, જો તેઓ દુબઈમાં ફસાઈ ગયા હોય તો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સીધો સંપર્ક કરી શકે છે. મેસેજ કરીને તેમણે પોતાના વિશે જાણકારી આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે 52 વર્ષના સોનુ સૂદને સામાન્ય પણે રિયલ લાઇફ હીરો કહેવામાં આવે છે કોવિડ-19 વખતે પણ તેણે હજારો માઈગ્રન્ટ શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા હતા. સાથે સાથે જ તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter