સોનુ સૂદનું વધુ એક ઉમદા સેવાકાર્ય

Saturday 28th May 2022 09:11 EDT
 
 

કોરોના કાળ દરમિયાન બોલિવૂડ ફિલ્મોની રિલિઝ ભલે અટકી ગઈ પરંતુ, એક અભિનેતા સોનુ સૂદે હજારો જિંદગીને સુખદ અનુભવ આપ્યો. સોનુ એકમાત્ર એવો અભિનેતા છે જે લોકડાઉન અને તે પછી પણ લોકોની મદદ માટે આગળ આવ્યો અને તેણે ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ ઉપરાંત ગરીબ લોકો માટે જીવનજરૂરી સંસાધનોની પણ વ્યવસ્થા કરી. આ આગવી પહેલથી તેણે કરોડો લોકોના દિલમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન મેળવ્યું છે. હવે સોનુનું વધુ એક ઉમદા સેવાકાર્ય જાણવા મળ્યું છે. ‘ધ મેન’ મેગેઝિન સાથેની વાતચીત દરમિયાન સોનુએ તેની આ પહેલ વિશે વિગતવાર વાત કરી હતી અને તેના ઉદ્દેશ્ય પર વધુ પ્રકાશ પાડ્યો હતો.
સોનુએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડ પ્રમોશનથી મળતાં નાણાં મેં લોકસેવાના કામમાં વાપર્યા છે. ઘણી વાર તેઓ મને ચૂકવવાની ફી સીધી સ્કૂલ કે હોસ્પિટલને આપી દે છે અથવા તો તેઓ મારા ફાઉન્ડેશનમાં રકમ જમા કરાવે છે. હમણાં એક હોસ્પિટલ તરફથી તેને પ્રમોટ કરવાની મને ઓફર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ મારી સાથે કામ કરવા અને ગરીબ દર્દીઓની મદદ કરવા ઈચ્છે છે. સોનુ કહે છે કે આ ઓફરના જવાબમાં મેં તેમને જણાવ્યું કે, હું તમારી હોસ્પિટલને પ્રમોટ તો કરીશ પણ તેની સામે તમારે 50 લિવર ટ્રાન્સપ્લાન્ટ તદ્દન ફ્રીમાં કરી આપવા પડશે. આની કિંમત લગભગ ૧૨ કરોડ રૂપિયા જેટલી થાય છે, અને તમે નહિ માનો પણ આ કોન્ટ્રેકટ હેઠળ બે ગરીબ દર્દીઓનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું છે. આ બન્ને એવા દર્દી છે જે કોઈ દિવસ ખર્ચ કરીને ઓપરેશન કરાવી શક્યા ન હોત. મને આનંદ છે કે, હું તેમની મદદ કરી શક્યો અને હજુ પણ વધુમાં વધુ લોકોની સહાય કરવામાં મને આનંદ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter