સોનુ સૂદે એરપોર્ટ પર પેસેન્જરનો જીવ બચાવ્યો

Saturday 28th January 2023 06:55 EST
 
 

સામાન્ય રીતે ફિલ્મોમાં નેગેટિવ કે કેરેક્ટર રોલ કરનારા સોનુ સૂદે કોરોના કાળમાં રીઅલ લાઇફ હીરો જેવા કામ કર્યા છે. કોરોના સમયે હજારો લોકોને વતન પહોંચાડવાની અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની સેવાના કારણે પ્રખ્યાત થયેલા સોનુ સૂદે એરપોર્ટ પર એક પેસેન્જરનો જીવ બચાવ્યો હતો. કોવિડ પેન્ડેમિક દરમિયાન હજારો લોકોને મેડિકલ હેલ્થ પૂરી પાડવાના કારણે સોનુ સૂદને આકસ્મિક સારવાર કરતાં પણ આવડી ગયું છે. રિપોર્ટ્સ મુજબ, સોનુ સૂદ થોડા દિવસ અગાઉ દુબઇથી પરત આવી રહ્યો હતો. એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન સેન્ટર પર આધેડ વયનો એક પુરુષ અચાનક પડી ગયો હતો અને તેણે ભાન ગુમાવી દીધું હતું. આ અણધારી આપત્તિથી ઇમિગ્રેશન અધિકારીઓ અને એરપોર્ટ સ્ટાફમાં દોડાદોડી થઇ ગઇ હતી. ત્યારે સોનુ સૂદે ઝડપી પગલાં લીધી હતા. સોનુએ આધેડના માથે હાથ ફેરવીને CPR (કાર્ડિયોપલ્મોનરી રેસ્યુસાઇટેશન) ટ્રીટમેન્ટ આપી હતી. આ સારવારના કારણે ગણતરીની મિનિટોમાં મુસાફર ફરી ભાનમાં આવી ગયો હતો. આ સત્કાર્ય બદલ એરપોર્ટ સ્ટાફ અને મુસાફરે સોનુનો આભાર માન્યો હતો.
આ દરમિયાન સોનુનો અન્ય એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પણ શેર થયો છે. જેમાં તે ટી-શોપના કર્મચારી સાથે વાત કરી રહ્યો છે. સોનુ માટે આ કર્મચારી કોફી બનાવી રહ્યો હતો અને નજીકમાં બે વ્યક્તિ ઊભેલી હતી. તેમાંથી એક વ્યક્તિ કશુંક ચાવી રહી હતી. સોનુએ તરત તેને પૂછ્યું કે શું તે ગુટખા ચાવે છે? પેલા માણસે ગુટખા ફેંકી દીધી અને સોનુની નજીક આવ્યો હતો. સોનુએ તેને ગુટખા નહીં ખાવાની સલાહ આપી હતી. આ સાથે પાનની દુકાનવાળાને પણ કહ્યું હતું કે, આ માણસ પરિવારવાળો છે અને તેના પરિવારનું હિત વિચારીને પણ ગુટખા આપવી જોઇએ નહીં. સોનુના આગામી પ્રોજેક્ટમાં હોમ પ્રોડક્શન ફિલ્મ ‘ફતેહ’નો સમાવેશ થાય છે. સત્યઘટના આધારિત આ ફિલ્મની વૈભવ મિશ્રા ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter