કોરોનાના કપરા સમયે જરૂરતમંદોની વહારે પહોંચેલા સોનુ સૂદે હવે મદદનો વ્યાપ વિસ્તારવાનું નક્કી કર્યું છે. આ માટે જરૂરી નાણાં એકત્ર કરવા તેણે મુંબઇની આઠ પ્રોપર્ટી ગીરવે મૂકીને રૂ. ૧૦ કરોડ એકત્ર કર્યા છે. એક રિપોર્ટ અનુસાર, આ એક્ટરે લોન મેળવવા માટે મુંબઈના જૂહુ સ્થિત તેની જે પ્રોપર્ટીઝ ગીરવે મૂકી છે તેમાં બે દુકાનો અને છ ફ્લેટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોપર્ટીઝ ગીરવે મૂકવા માટે ૧૫મી સપ્ટેમ્બરે જ એગ્રીમેન્ટ કરી નાંખ્યું હતું. સમજૂતી અનુસાર, પ્રોપર્ટીની માલિકી આ એક્ટર અને તેની વાઇફની જ રહેશે અને તેઓ માસિક ભાડું પણ મેળવતા રહેશે. જોકે, તેમણે દસ કરોડ રૂપિયાની લોનના અવેજમાં વ્યાજ અને પ્રિન્સિપલ રકમ ચૂકવવાની રહેશે. સોનુએ મુંબઈમાં મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસી શ્રમિકોથી લઇને વિદ્યાર્થીઓને તેમનાં ઘરે પહોંચાડવા માટે અનેકવિધ પ્રકારે મદદ કરી હતી. તેના અ પ્રયાસોની ભરપૂર પ્રશંસા પણ થઇ છે.