બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અગાઉ કેટલાય પરપ્રાંતીયોને બસ દ્વારા તેમના વતન પહોંચવાની વ્યવસ્થા કર્યા પછી કેરળના એન્નાકુર્લમમાં સિવણકામ અને ભરતકામનું એક કારખાનું બંધ પડવાથી ૧૭૭ યુવતીઓને એર પોર્ટ વિભાગની પરમિશન લઈને બેંગલુરુ - કોચ્ચી - ભુવનેશ્વરની હવાઈ સફર પછી ભુવનેશ્વરથી બે કલાકના અંતરે આવેલા તેમના વતન પહોંચાડાઈ હતી. એ પછી સોનુએ તાજેતરમાં ૧૮૦ લોકોને મુંબઇથી વિશેષ ફ્લાઇટમાં દહેરાદૂન મોકલ્યા. સોનુ સૂદ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેણે ૧૮૦ લોકોને એર એશિયાની ફ્લાઇટ દ્વારા ઉત્તરાખંડના દહેરાદૂન મોકલ્યા હતા. આ ફ્લાઇટ પાંચમીના રોજ બપોરે ૧.૪૦ વાગે મુંબઇથી રવાના હતી. સોનુ અને તેની મિત્ર નીતિ ગોયલ બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિશેષ વિમાનમાં વધુ સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી. જેમાં વયોવૃદ્ધ તેમજ ગર્ભવતી મહિલાઓ તથા નાના બાળકો સાથેની મહિલાઓ હતી.
એક વાતચીત દરમિયાન નીતિએ જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા આ ફ્લાઇટમાં મુંબઇમાં ફસાયેલી મહિલાઓને દહેરાદૂન પોતાના ઘરે પહોંચાડવાની હતી. જેઓ બસ અથવા ટ્રેન દ્વારા લાંબી સફર કરી શકે નહીં. આમાંની ઘણી મહિલાઓ સાથે તેમના પતિ પણ હતા, પરંતુ અમે તેમને વિમાનની બદલે બસથી રવાના કર્યા હતા.