સ્વરસમ્રાટ એસ. પી. બાલાસુબ્રમણ્યમનું નિધન

Monday 28th September 2020 07:59 EDT
 
 

બોલિવૂડ અને ટોલિવૂડમાં ૪૦,૦૦૦ જેટલા ગીતોને સ્વર આપવાનો રેકોર્ડ સર્જીને ગિનિઝ બુકમાં સ્થાન મેળવનાર હિન્દી અને તેલુગુ ફિલ્મોનાં પાર્શ્વગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાને કારણે ૨૫મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. ૨૫મીએ બપોરે ૧.૦૪ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. ચેન્નઈમાં તેમનાં ફાર્મ હાઉસ ખાતે તેમનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ૭૪ વર્ષનાં બાલાસુબ્રમણ્યમ તેમનાં પત્ની, પુત્રી અને પુત્ર સહિત અનેક ચાહકોને કલ્પાંત કરતા મૂકીને તેઓ ચાલ્યા ગયા હતા. એસ. પી. બાલાસુબ્રમણ્યમ ૫મી ઓગસ્ટે કોરોના પોઝિટિવ જણાયા પછી તેમને સારવાર માટે ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં તેમની તબિયત ફરી બગડી હતી. આ પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ એક ગાયક ઉપરાંત સંગીત નિર્દેશક, એક્ટર અને ડબિંગ આર્ટિસ્ટ પણ હતા. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદી સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મહાનુભાવોએ તેમનાં નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન મોદીએ શોકાંજલિ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે, એસ. પી. બાલાસુબ્રમણ્યમનાં દુર્ભાગ્યપૂર્ણ નિધનથી આપણી સાંસ્કૃતિક ધરોહરને મોટું નુકસાન થયું છે. ભારતભરમાં એક ઘરેલું નામ, તેમનો મધુર અવાજ અને સંગીતે દાયકાઓ સુધી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દુઃખની આ પળોમાં મારી દિલસોજી તેમનાં પરિવાર તેમજ પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.
પદ્મશ્રી અને પદ્મભૂષણ સહિત ૬ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા
૨૦૦૧માં તેમને પદ્મશ્રી અને ૨૦૧૧માં પદ્મભૂષણનાં નાગરિક સન્માન તેમજ ૬ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૮૧માં તેમણે હિન્દી ફિલ્મ એક દુજે કે લિયેમાં પહેલું ગીત ગાયું હતું. આ ફિલ્મનાં ગીતો માટે તેમને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. મૈને પ્યાર કિયામાં તેમણે ગાયેલા ગીતો બ્લોકબસ્ટર રહ્યા હતા. જેમાં દિલ દીવાના બન સજના કે ગીત માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
સલમાનના અવાજ તરીકે અનોખી ઓળખ
બાલાએ ૧૯૮૯માં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના અવાજ તરીકે અનોખી ઓળખ સ્થાપી હતી. સલમાને પણ થોડા દિવસ પહેલાં જલદી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ૧૬ ભારતીય ભાષામાં ૪૦,૦૦૦થી વધુ ગીત ગાઈને તેમણે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ૧૯૬૬માં તેમને એક તેલુગુ ફિલ્મમાં ગીત ગાઈને કરિયરની શરૂઆત કરી હતી. આ પછી સૂર અને સાજ સાથેની તેમની સંગત વણથંભી પુરપાટ દોડતી રહી હતી. ૮ ફેબ્રુઆરી ૧૯૮૧નાં રોજ સતત ૧૨ કલાકમાં તેમણે ૨૧ ગીત રેકોર્ડ કરીને નવો વિક્રમ સ્થાપ્યો હતો.
એસ. પી. બાલાસુબ્રમણ્યમ ૫૨ દિવસ હોસ્પિટલમાં રહ્યા
જન્મ: ૪/૬/૧૯૪૬
મૃત્યુ : ૨૫/૯/૨૦૨૦
૧૬ ભાષાઓમાં ૪૦ હજાર ગીત ગાનાર, ૬ વાર નેશનલ એવોર્ડ જીતનારા ૭૪ વર્ષીય એસ.પી.ના પ્રખ્યાત ગીતો
મેરે રંગ મેં રંગનેવાલી... મૈંને પ્યાર કિયા
દીદી તેરા દેવર દીવાના હમ આપકે હૈ કોન
તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ... પથ્થર કે ફૂલ
સાથીયા તુને ક્યાં કિયા... લવ
દેખા હૈ પહેલીબાર... સાજન
રોજા જાનેમન... રોજા
મેરે જીવન સાથી... એક દુજે કે લીએ
તેરે મેરે બિચ મેં... એક દુજે કે લીએ
યેં હસી વાદિયા... રોજા
સચ મેરે યાર હૈ... સાગર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter