સ્વરા ભાસ્કરે યુવા નેતા સાથે ઘરસંસાર માંડ્યો

Wednesday 22nd February 2023 11:53 EST
 
 

અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. અભિનેત્રીએ આમ તો ગયા મહિને જ સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ લગ્નનોંધણી કરાવી હતી, પરંતુ લગ્નની સત્તાવાર ઘોષણા હવે કરી છે. સ્વરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે અને ફહાદ ગળામાં હાર પહેરીને લાલ વસ્ત્રોમાં સજ્જ થઈ હાથોમાં હાથ પરોવી રજિસ્ટ્રાર ઓફિસ પાસે જોવા મળે છે. ગઈ છઠ્ઠી જાન્યુઆરીએ તેમનાં લગ્નની નોંધણી થઈ હતી. આ વખતે સ્વરાના પરિવારજનો પણ હાજર હતા. ફહાદ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમનો યુવા પાંખનો પ્રમુખ છે. તે પોતાને પોલિટિકલ એક્ટિવિસ્ટ તરીકે પણ
ગણાવે છે.
સ્વરા પોતાની અભિનય કારકિર્દી કરતાં પોતાના તેજાબી અને શાસનવિરોધી વિચારો માટે વધારે જાણીતી છે. આ કારણોસર તે ટ્વિટર પર વારંવાર ટ્રોલ પણ થાય છે. સ્વરાએ વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું હતુંઃ ક્યારેક આપણે બહુ દૂર દૂર સુધી તલાશ કરતાં હોઈએ છીએ પરંતુ તે આપણી આસપાસ જ હોય છે. અમે પ્રેમની શોધમાં હતાં, પરંતુ અમે સૌ પહેલાં મૈત્રી કેળવી અને તે પછી એકબીજા માટે પ્રેમનો અહેસાસ થયો. ફહાદ મારાં દિલમાં તારું સ્વાગત છે. અહીં બહુ અંધાધૂંધી છે, પરંતુ હવે એ તારું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter