હની સિંહ પર ઘરેલું હિંસાનો કેસ

Tuesday 10th August 2021 12:08 EDT
 
 

બોલિવૂડ સિંગર-એક્ટર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલું હિંસાનો કેસ કર્યો છે. તેમણે હની સિંહ સામે ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ આ અરજી આપી છે. શાલિનીએ દિલ્હીની તીસહજારી કોર્ટમાં આ અરજી કરી છે. કોર્ટે આ અરજીના પગલે હની સિંહ સામે નોટિસ જારી કરી છે, તેમાં તેણે સિંગરને ૨૮ ઓગસ્ટ પહેલા જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સાથે સાથે જ બંનેની સહિયારી સંપત્તિનું વેચાણ ન કરવા અને સ્ત્રીધન સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવાની પણ કોર્ટે સુચના આપી છે. આમ, હાલમાં તો શાલિની તલવારની તરફેણમાં આદેશ પસાર કરવામાં આવ્યો છે.
શાલિનીએ પતિ હની સિંહ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં શારીરિક હિંસા, યૌન હિંસા, માનસિક પીડાના આરોપ મૂક્યા છે. આ આરોપો ફક્ત હની સિંહ સામે જ નહીં, તેના માતાપિતા અને બહેન પર પણ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત શાલિનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે હની સિંહને અનેક યુવતીઓ સાથે સંબંધ હતા, અને એક યુવતી સાથે તો તેણે રંગેહાથ પકડી પાડયો હતો. આ પછી જ તેણે કાનૂની કાર્યવાહીનો વિકલ્પ અજમાવ્યો છે.
શાલિનીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેનું સ્ત્રીધન તેને પરત મળે અને જે મિલકત તેના અને હની સિંહના સંયુક્ત નામે છે તેને વેચતા રોકવામાં આવે. હની સિંહ અને શાલિનીએ ૨૦ વર્ષની મિત્રતા પછી ૨૦૧૧માં શીખ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વચ્ચે હની સિંહનું નામ ફિયર ફેક્ટરની કોન્ટેસ્ટન્ટ ડિયાના ઉપ્પલ સાથે જોડાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter